તાજેતરમાં રેણુકા અને આશુતોષે એકબીજાને હાર પહેરાવીને લગ્નની ૨૫મી વર્ષગાંઠ ઉજવી હતી, જેના વીડિયો વાયરલ થયા હતા
મુંબઈ, તા.૨૯
રેણુકા શહાણે અને Ashutosh Rana એ તાજેતરમાં પોતાનાં લગ્નજીવનની ૨૫મી વર્ષગાંઠ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવી હતી. હવે આ ખાસ વર્ષમાં તેમના માટે ઉજવણીનું વધુ એક ખાસ કારણ જોડાયું છે, કારણ કે બંને પહેલી વાર અભિનેતા-દિગ્દર્શક તરીકે સાથે કામ કરવાના છે.રેણુકા શહાણેએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તે આ વર્ષે એક શોર્ટ ફિલ્મ માટે પહેલી વાર પોતાના પતિ આશુતોષ રાણાને ડિરેક્ટ કરશે. તેમણે કહ્યું, “દિગ્દર્શન કરતી વખતે હંમેશા હું થોડી ગભરાઉં રહું છું. પરંતુ આ વખત વધુ ખાસ છે કારણ કે રાણાજી ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં છે.
પહેલી વાર એવું થઈ રહ્યું છે કે તેઓ કેમેરા સામે છે અને હું કેમેરા પાછળ છું. આ એક મોટું જોખમ હતું. માત્ર જીવનસાથી તરીકે તમે સારા હો એટલે સ્ક્રીન પર પણ એ જ રીતે કામ કરશે, એવું જરૂરી નથી. પરંતુ પરિણામ મારી કલ્પના કરતાં પણ સારું આવ્યું. દિગ્દર્શક અને અભિનેતા તરીકે અમે ખુબ જ સારી ટીમમાં કામ કરી શકીએ છીએ.”જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સેટ પર Ashutosh Rana એક અભિનેતા તરીકે કેવા હતા, ત્યારે રેણુકાએ કહ્યું, “તેમની સાથે કામ કરવા માટે, એ એક ડ્રીમ એક્ટર છે કારણ કે તેઓ ખૂબ જ ખુલ્લા મનથી અને વિશ્વાસ સાથે કામ કરે છે. તેઓ સંપૂર્ણપણે દિગ્દર્શકના દૃષ્ટિકોણ અનુસાર ચાલે છે. એ સંઘર્ષનું શૂટિંગ કરતાં હતાં ત્યારે જ મેં આ વાત જોઈ હતી. ત્યારે જ મને સમજાયું કે તેઓ માટી જેવા છે — તમે તેમને જે રીતે ઘડો તે રીતે ઘડાઈ જાય. તેઓ અભિનેતા તરીકે સેટ પર કોઈ પૂર્વધારણા લઈને નથી આવતા.”રેણુકાએ એવું પણ જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં પોતાના પતિ સાથે સ્ક્રીન પર પણ કામ કરવા ઈચ્છે છે, પરંતુ તે પ્રોજેક્ટ કોઈ બીજું ડિરેક્ટ કરે એવી તેમની ઇચ્છા છે.૨૫મી લગ્ન વર્ષગાંઠ ઉજવવા માટે Ashutosh Rana એ સોમવારે એક વિડિયો શેર કર્યો હતો, જેમાં પરિવાર અને મિત્રો વચ્ચે બંને ફરીથી જયમાળા પહેરાવતા જોવા મળ્યા હતા. રેણુકાએ જણાવ્યું કે આ વિડિયો ગયા વર્ષે ૧૦ નવેમ્બરે મધ્ય પ્રદેશમાં આશુતોષના જન્મદિવસની ઉજવણી દરમિયાન શૂટ થયો હતો.

