જોય મહાપાત્રો નામના એક હિન્દુ યુવકને પહેલાં ઢોર માર મારવામાં આવ્યો અને પછી તેને ઝેર આપવામાં આવ્યું
Dhaka, તા.૧૦
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા કરી દેવામાં આવી છે. જોય મહાપાત્રો નામના એક હિન્દુ યુવકને પહેલાં ઢોર માર મારવામાં આવ્યો અને પછી તેને ઝેર આપવામાં આવ્યું. બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનોની વચ્ચે હિન્દુઓ પરના હુમલા અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. છેલ્લા ૧૮ દિવસમાં બાંગ્લાદેશમાં ૭ હિન્દુ પુરુષોની હત્યા થઈ ચૂકી છે.
૮ જાન્યુઆરીએ સુનામગંજ જિલ્લાના દિરાઈ ઉપજિલાના ભંગડોહર ગામમાં જોય મહાપાત્રો નામના વધુ એક હિન્દુ યુવાનની હત્યા કરી દેવામાં આવી. પરિવારના જણાવ્યા અનુસાર, જોયને પહેલાં માર મારવામાં આવ્યો અને પછી અમીરુલ ઇસ્લામ નામના વ્યક્તિએ તેને ઝેર આપ્યું. ત્યારબાદ સિલહેટ એમએજી ઉસ્માની મેડિકલ કોલેજ હોસ્પિટલના આઈસીયુમાં તેનું મોત થયું. પોતાના દીકરાની આવી હાલત જોઈ પરિવારમાં માતમ છવાયો છે. જોયની ફેમિલીએ અમીરુલ ઈસ્લામ નામના શખ્સ પર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે અમીરુલે પહેલા જોય સાથે ગંભીર રીતે મારપીટ કરી અને પછી તેને ઝેર આપી દીધું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ કહ્યું કે, “અમે બાંગ્લાદેશમાં લઘુમતીઓ તેમજ તેમના ઘરો અને વ્યવસાયો પર ઉગ્રવાદીઓ દ્વારા વારંવાર કરવામાં આવતા હુમલાઓના ચિંતાજનક સિલસિલાને જોઈ રહ્યા છીએ. આવી સાંપ્રદાયિક ઘટનાઓ સાથે તાત્કાલિક અને સખ્તાઈથી નિપટવું જરૂરી છે. અમે આવી ઘટનાઓને વ્યક્તિગત દુશ્મની, રાજકીય મતભેદો કે બાહ્ય કારણો સાથે જોડવાની એક ચિંતાજનક પ્રવૃત્તિ જોઈ છે. આવી અવગણનાથી ગુનેગારોની હિંમત વધે છે અને લઘુમતીઓમાં ભય તથા અસુરક્ષાની લાગણી વધુ ગાઢ બને છે.” બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ઈસાઈ ઐક્ય પરિષદ (ભીએચબીસીયુસી)એ ગયા મહિને જ સાંપ્રદાયિક હિંસાની ૫૧ ઘટનાઓ નોંધી હતી. આમાં ૧૦ હત્યાઓ, ચોરી અને લૂંટના ૧૦ કેસ, ઘરો, વ્યાપારિક સ્થાપનાઓ, મંદિરો પર કબજો કરવા, લૂંટફાટ અને આગચંપી સાથે સંબંધિત ૨૩ ઘટનાઓ સામેલ છે. આ ઉપરાંત જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં ૪ હિન્દુઓની હત્યા થઈ ચૂકી છે, જેથી ડિસેમ્બરથી અત્યાર સુધીમાં મૃત્યુ પામેલાઓની કુલ સંખ્યા વધીને ૧૪ થઈ ગઈ છે.

