MT Jalveer પર હુમલા પહેલા ઓમાનના દરિયાકાંઠા પર છેલ્લા બે દિવસથી હુમલો થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે
New Delhi, તા.૧૨
અમને વહેલી સવારે ઓમાનના શિનાસ બંદરે એક જહાજ સાથે જોડાયેલી ઘટનાની જાણ થઈ છે. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએઃ ઓમાનમાં ભારતીય દુતાવાસઓમાનના દરિયાકાંઠે બુધવારે થયેલા હુમલાના ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં બીજો હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે.
આ હુમલો ઓમાનના શિનાસ બંદર નજીક એક જહાજ પર થયો હતો. સામે આવેલી તસવીરોમાં MT Jalveer નામનું જહાજ સમુદ્રમાં સળગતું જોઈ શકાય છે. આ ઘટના બાદ અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.આ મામલે ઓમાનમાં ભારતીય દૂતાવાસે ટિ્વટ કર્યું કે, “અમને આજે વહેલી સવારે ઓમાનના શિનાસ બંદરે એક જહાજ સાથે જોડાયેલી ઘટનાની જાણ થઈ છે. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને વધુ વિગતો માટે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છીએ.”
ઉલ્લેખનીય છે કે બુધવારે પણ ઓમાનના તટ નજીક એક કોમર્શિયલ જહાજ પર હુમલાના અહેવાલ મળ્યા હતા. આ જહાજમાં કુલ ૨૮ લોકો સવાર હતા. જેમાંથી ૨૪ ભારતીય હતા. દુઃખની વાત એ છે કે આ હુમલા બાદ ૩ ભારતીયો ગુમ થયાના અહેવાલ છે. જ્યારે ૨૧ ભારતીયોને સફળતાપૂર્વક બચાવી લેવાયા છે. આ ઘટના ૧૦મી જૂનની છે. ભારતે આ હુમલાની સખત નિંદા કરી છે. આ હુમલામાં ગુમ થયેલા ત્રણ ભારતીયોમાંથી બેના મૃતદેહ મળ્યા હોવાની માહિતી પણ સામે આવી છે.
જે જહાજ પર હુમલો થયો તેનું નામ સેટેબેલો હતું. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૨૪ ભારતીય ક્રૂ સભ્યોમાંથી ૨૧ને બચાવી લેવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ચાલુ શોધ અને બચાવ કામગીરીમાં ઓમાની અધિકારીઓ સાથે સક્રિય રીતે સંકલન કરી રહ્યું છે.એમટી જલવીર પર હુમલા પહેલા ઓમાનના દરિયાકાંઠા પર છેલ્લા બે દિવસથી હુમલો થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે. આ સતત ત્રીજો જહાજ પર હુમલો છે. હકીકતમાં, બુધવારે, ભારતે ટેન્કર સેટેબેલો પરના હુમલાની સખત નિંદા કરી.
ભારતે યુએસ ચાર્જ ડી’અફેર્સ જેસન મીક્સને વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા અને સત્તાવાર વિરોધ નોંધાવ્યો. અહેવાલ મુજબ, યુએસ ડેપ્યુટી ચીફ ઓફ મિશનને સમન્સ પાઠવવાના ભારતના નિર્ણય અને બે જહાજો પરના હુમલા અંગેના પ્રશ્નના જવાબમાં, સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું, “સ્ટેટ ડિપાર્ટમેન્ટ આ બાબતે ભારત સરકાર સાથે સીધા સંપર્કમાં છે.”

