New Delhi, તા. 17
જ્યાં સુધી મેદાન પર લિઓનલ મેસી હાજર રહે છે, આર્જેન્ટિનાની આશા જીવંત રહે છે. ફીફા વિશ્વ કપ 2026માં ડિફેન્ડિંગ ચેમ્પિયને અંતિમ ક્ષણોમાં વાપસી કરવાને પોતાની ઓળખ બનાવી લીધી છે.
આ ટૂર્નામેન્ટમાં 79મી મિનિટ પછી રેકોર્ડ 11 ગોલ એ વાતની સાક્ષી પૂરે છે કે મેસીની ટીમે ઘણી વખત હારેલી બાજી પલટીને દુનિયાને હેરાન કરી દીધી છે.
22 જૂનઃ મેસીએ ઓસ્ટ્રિયાની આશાઓ તોડી
નિર્ણાયક મિનિટઃ 90+5મી મિનિટ (ઇન્જરી ટાઇમ)
પરિણામઃ આર્જેન્ટિના 2, ઓસ્ટ્રિયા 0
ગ્રુપ સ્ટેજની બીજી મેચમાં આર્જેન્ટિનાની જીત પર બહુ મોટો ખતરો નહોતો. ટીમ બીજા હાફના ઇન્જરી ટાઇમમાં 1-0થી આગળ હતી. ત્યારે જ લિઓનલ મેસીએ પોતાનાં જ શોટથી આવેલાં રિબાઉન્ડ પર કબજો કર્યો અને ત્રણ ડિફેન્ડર્સને થાપ આપીને શાનદાર શોટ લગાવીને ગોલ કરી દીધો. આ ગોલે આર્જેન્ટિનાની જીત પાકી કરી દીધી.
27 જૂનઃ મેસીએ ફરી છેલ્લી ઘડીએ કમાલ કર્યો
સમયઃ 80મી મિનિટ
પરિણામઃ આર્જેન્ટિના 3-1 જોર્ડન
ગ્રુપ સ્ટેજના અંતિમ મેચમાં આર્જેન્ટિના 2-1થી આગળ હતું. આ દરમિયાન સબસ્ટિટ્યુટ ખેલાડી તરીકે મેદાન પર આવેલાં મેસીને આશરે 25 યાર્ડના અંતરેથી ફ્રી કિક મળી. મેસીએ જોર્ડનના ખેલાડીઓ વચ્ચે જગ્યા શોધી અને નીચો શોટ લગાવ્યો, જે એક વાર ટપ્પો ખાધા પછી ગોલમાં જતો રહ્યો. આ ગોલ આર્જેન્ટિનાની જીત પર મહોર મારનારો સાબિત થયો.
3 જુલાઈઃ માર્ટિનેઝ અને ઓન ગોલે બચાવ્યા
સમયઃ 92મી અને 111મી મિનિટ
પરિણામઃ આર્જેન્ટિના 3-2 કેપ વર્ડે
નોકઆઉટની પ્રથમ મેચમાં આર્જેન્ટિનાએ વધારાનાં સમયમાં બે ગોલ કરીને કેપ વર્ડેના પડકારને તોડ્યો. લિસાન્દ્રો માર્ટિનેઝે 92મી મિનિટમાં ગોલ કરીને આર્જેન્ટિનાને 2-1ની સરસાઈ અપાવી. પછી કોર્નર પર મેસીના પાસ પર ઓન ગોલ ગોલ થયો, જેણે 111મી મિનિટમાં આર્જેન્ટિનાને 3-2થી જીત અપાવી દીધી.
7 જુલાઈઃ ઇજિપ્ત સામે ત્રણ ગોલ ફટકારી ઐતિહાસિક વાપસી
સમયઃ 79મી, 83મી અને 90+2 મિનિટ
પરિણામઃ આર્જેન્ટિના 3-2 ઇજિપ્ત
પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મેચ ખતમ થવાની 11 મિનિટ પહેલાં ઇજિપ્ત 2-0થી આગળ હતું. આ પછી ચમત્કાર થયો. રોમેરોએ 79મી મિનિટમાં ગોલ કર્યો. ચાર મિનિટ પછી મેસીએ બરાબરી કરી દીધી અને ઇન્જરી ટાઇમની બીજી મિનિટમાં એન્ઝો ફર્નાન્ડીઝે વિજયી ગોલ ફટકારી દીધો.
11 જુલાઈઃ સ્વિસ ટીમ પર વધારાનાં સમયમાં પ્રહાર
સમયઃ 112મી અને 120+1 મિનિટ
પરિણામઃ આર્જેન્ટિના 3-1 સ્વિટ્ઝરલેન્ડ
સ્વિટ્ઝરલેન્ડ 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું, તેમ છતાં તેણે ક્વાર્ટર ફાઇનલ મુકાબલાને વધારાનાં સમય સુધી ખેંચી લીધો. અંતમાં આર્જેન્ટિનાએ દબાણનો ફાયદો ઉઠાવ્યો. જુલીયન અલ્વારેઝે 112મી મિનિટમાં સરસાઈ અપાવી અને અંતિમ ક્ષણોમાં લૌતારો માર્ટિનેઝે ગોલ કરીને ટીમને 3-1થી જીત અપાવી સેમિફાઇનલમાં પહોંચાડી.

