હવે ભગવાન સ્થિતપ્રજ્ઞ કેવી રીતે ચાલે છે? આ ચોથા પ્રશ્નનો જવાબ આપતાં ગીતા(૨/૬૪-૬૫)માં કહે છે કે..
રાગદ્વેષવિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્વરન્
આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ
પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે
પ્રસન્ન ચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે
સ્વાધિન અંતઃકરણનો કર્મયોગી સાધક રાગ-દ્વેષ વિનાની પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરતો રહીને અંતઃકરણની નિર્મળતાને પામે છે.અંતઃકરણ નિર્મળ થતાં સાધકના સર્વ દુઃખોનો નાશ થઇ જાય છે અને એવા શુદ્ધ ચિત્તના કર્મયોગીની બુદ્ધિ નિઃસંદેહ તત્કાળ પરમાત્મામાં સ્થિર થઇ જાય છે.
સાધકનું અંતઃકરણ પોતાના વશમાં રહેવું જોઇએ.અંતઃકરણને વશીભૂત કર્યા વિના કર્મયોગની સિદ્ધિ થતી નથી,ઉલ્ટાનું કર્મ કરતો હોવાથી વિષયોમાં રાગ થવાની અને પતન થવાની સંભાવના રહે છે. મનુષ્યને કર્મો નથી બાંધતાં,૫રંતુ કર્મોમાં રાગ-દ્વેષ જ બાંધે છે.જ્યાં સુધી રાગ-દ્વેષ છે ત્યાં સુધી તત્વબોધ થતો નથી,ફક્ત વાતો જ શીખવા મળી છે તેમ સમજવું.અંતઃકરણને વશમાં રાખવાનું દરેક સાધક/કર્મયોગી ના માટે આવશ્યક છે.વ્યવહાર કરતી વખતે ઇન્દ્રિયો પોતાના વશમાં હોવી જોઇએ અને ઇન્દ્રિયો વશમાં હોવા માટે ઇન્દ્રિયોનું રાગ-દ્વેષરહિત બનવું જરૂરી છે.જેનું અંતઃકરણ પોતાના વશમાં છે અને જેની ઇન્દ્રિયો રાગ-દ્વેષથી રહિત તથા પોતાના વશમાં કરેલી છે એવો સાધક ઇન્દ્રિયોથી વિષયોનું સેવન એટલે કે બધી જાતનો વ્યવહાર તો કરે છે પરંતુ વિષયોને ભોગવતો નથી.ભોગબુદ્ધિથી કરેલું વિષયસેવન જ પતનનું કારણ બને છે.
આગળના શ્ર્લોકમાં ભગવાને પતન થવાની પ્રક્રિયા સમજાવી હતી.આ બે શ્લોકથી મન-બુદ્ધિ પવિત્ર કરવાની પ્રક્રિયા સમજાવે છે.વિકારોથી દૂર થયેલુ મન દરેક ઈન્દ્રિયો પર નિયંત્રણ રાખે છે.આ મન ભોગો ભોગવીને પણ ચિત્ત એટલે કે મનની પવિત્રતા મેળવે છે.
રાગ-દ્વેષરહિત થઇને વિષયોનું સેવન કરવાથી અંતઃકરણની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.આ પ્રસન્નતા માનસિક તપ છે.ચિત્તની પ્રસન્નતા (સ્વચ્છતા) પ્રાપ્ત થવાથી તમામ દુઃખોનો નાશ થઇ જાય છે કારણ કે રાગ હોવાથી જ ચિત્તમાં ખિન્નતા થાય છે.ખિન્નતા થતાં જ કામના પેદા થઇ જાય છે.તે પ્રસન્નતાથી તમામ દુઃખો દૂર થઇ જાય છે.જેટલા પણ દુઃખો છે તે તમામ પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્ય શરીર-સંસારના સબંધથી જ થાય છે.પ્રસન્નતાથી બે બાબતો બને છેઃસંસારથી સબંધ વિચ્છેદ અને પરમાત્મામાં બુદ્ધિની સ્થિરતા. કર્મો પ્રમાણે તેની સામે દુઃખદાયી ઘટના અને પરિસ્થિતિ આવી શકે છે પરંતુ તેના અંતઃકરણમાં દુઃખ,સંતાપ, ખળભળાટ વગેરે વિકૃતિ આવી શકતી નથી.પ્રસન્ન(સ્વચ્છ) ચિત્તવાળાની બુદ્ધિ બહુ જ જલ્દી પરમાત્મામાં સ્થિર થઇ જાય છે,તેની બુદ્ધિમાં સહેજપણ સંદેહ રહેતો નથી.ભગવદવિષયક પ્રસન્નતા થાય કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે વ્યાકુળતા થાય-આ બેમાંથી કોઇ એક પણ જો વધી જાય તો તે જલ્દી જ પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે છે.
ઇન્દ્રિયો પતન કરાવનારી પણ છે અને પ્રસાદ આપનારી પણ છે.ઇન્દ્રિયો હોય જ ના તો જીવન કેવું હોય? જીવનની કલ્પના પણ ના થઇ શકે.ઇન્દ્રિયો બેફામ ઘોડા છે.જો તે લગામ દ્વારા કહ્યાગરી થઇ હોય તો તે પ્રસાદ પણ આપે.જીવનની પ્રસન્નતા પણ તેના દ્વારા મળે છે.આવો પ્રસાદ પ્રાપ્ત થયો હોય તો તેનાં બધાં દુઃખો હળવાં થઇ જાય છે એટલે કે હસતાં હસતાં દુઃખો સહન કરવાની શક્તિ મળે છે.
એક વિભાગ ભોગનો છે અને એક વિભાગ યોગનો છે.રાગ-દ્વેષથી યુક્ત ભોગી મનુષ્ય જો વિષયોનું ચિંતન પણ કરે તો તેનું પતન થઇ જાય છે પરંતુ રાગ-દ્વેષથી મુક્ત યોગી મનુષ્ય જો વિષયોનું સેવન પણ કરે તો તેનું પતન થતું નથી પરંતુ તે પરમાત્માને પ્રાપ્ત થઇ જાય છે.શરીરમાં ચાર બળ છે.છે.દેહબળ-યોગ્ય વ્યાયામ-કસરત અને યોગ્ય આહાર-વિહારથી દેહબળ વધે છે. ઇન્દ્રિયબળ-ઇન્દ્રિયબળ હિતકારી છે પણ ઇન્દ્રિયો વશમાં થયેલી હોવી જોઇએ.આત્મવશના માટે બે માર્ગ છે.. દેહદમન કરનારૂં તપ અને પ્રભુ નામ સ્મરણ અને સત્સંગ.મનોબળ ઇન્દ્રિયબળ કરતાં વધુ પ્રભાવશાળી છે.ચંચળ મન અહર્નિશ સંકલ્પ-વિકલ્પ કર્યા કરતું હોય છે અને વિષયોનું સેવન કરતું રહે છે.એની પ્રેરણાથી જ ઇન્દ્રિયો વિષયો તરફ દોડે છે.આ મનને સુધારવાનું છે.બુદ્ધિબળ-શરીરમાં માથું છે અને માથામાં મગજ છે.મગજમાં બુદ્ધિ રહે છે.બુદ્ધિ સૌની સરખી હોતી નથી.પ્રખર બુદ્ધિશાળી થવું એ જીવનનું સૌભાગ્ય કહેવાય છે.બુદ્ધિનું કામ સિદ્ધાંતો ઘડવાનું છે.
સર્વસામાન્ય લોકો સમજે છે કે વિષયો છોડી દો..પણ વિષયો છૂટતા નથી પરંતુ વિષયો વગર આપણું જીવન જ શક્ય નથી.સહજપ્રેરણાથી ભુખ લાગે છે અને આપણે ખોરાક લઈએ છીએ.ખોરાક છોડી શકાતો નથી,તેવી જ રીતે જીવન જરૂરિયાતને લગતી બાબતો છોડી શકાતી નથી.કહેવાતા પંડિતો સ્ત્રીને પાપી સમજે છે પણ સ્ત્રી એ જગતજનની છે.સ્ત્રી એ ક્ષેત્ર છે અને ક્ષેત્ર પાપી ન હોય,ક્ષેત્રપાલ પાપી હોય તે સંભવ છે અને આ મનના આધારે બુદ્ધિ બને અને બુદ્ધિ ઈન્દ્રિયોને હુકમ કરે અને ઈન્દ્રિયો કામ કરે.મૂળ મુદ્દો એમ છે કે વિષયો છોડી શકાતા નથી પણ તેને ગૌણ બનાવી શકાય છે.ઉપનિષદ પણ તેન ત્યક્તેન ભુંજીથા..કહે છે.ત્યાગીને ભોગવ એમ કહે છે.તેનો અર્થ એકલો ભોગવ એમ નહિ.સુખની વહેંચણી કરવાથી એ વધે છે. આ દુનિયામાં જેટલા ભોગો છે તે બધા જ મારે ભોગવવાના છે પણ તે એકલા ભોગવવાના નથી,કોઈને સાથે રાખીને ભોગવવાનાં છે.
જગતગુરૂ શંકરાચાર્ય કહે છે કે ન મે દ્વેષરાગો ન મે લોભમોહો મદોનૈવ મેનૈવ માત્સર્યભાવ..હું તો ચિદાનંદરૂપ શિવોહમ્ છું.આ રીતનું જેનું મન થયુ તે જ્ઞાન જલ્દીથી મેળવી શકે અને ભગવાનમાં પોતાનું મન-બુદ્ધિ-ચિત્ત ચોંટાડી શકે અને આમ સાધનાયોગ માણસ માણી શકે.આખરે મન-બુદ્ધિ પવિત્ર કરવા અને તેને ભગવાન સાથે એકરૂપ કરવા એ જ સાધના છે અને તેનાથી ભગવાન સાથે મિલન કરવું શક્ય છે.
નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના
ન ચાભાવયતઃ શાંતિરશાન્તસ્ય કુતઃ સુખમ્
જે પુરૂષે મન અને ઇન્દ્રિયો જીત્યાં નથી તેનામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ હોતી નથી તેમજ નિશ્ચયાત્મિકા બુદ્ધિ ના હોવાથી તે અયુક્ત(અસંયમી)માણસમાં નિષ્કામભાવ અથવા કર્તવ્યપરાયણતાનો ભાવ હોતો નથી, નિષ્કામ ભાવ ન હોવાથી તેને શાંતિ મળતી નથી પછી શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે? (ગીતાઃ૨/૬૬)
અહી કર્મયોગનો વિષય છે.કર્મયોગમાં મન અને ઇન્દ્રિયોનો સંયમ કરવો મુખ્ય હોય છે.વિવેકપૂર્વક સંયમ કર્યા વિના કામના નષ્ટ થતી નથી.કામના નષ્ટ થયા વિના બુદ્ધિની સ્થિરતા થતી નથી.જેનાં મન અને ઇન્દ્રિયો સંયમિત નથી એવા અયુક્ત(અસંયમી) પુરૂષની કેવળ મારે પરમાત્મા પ્રાપ્તિ જ કરવી છે-એવી એક નિશ્ચયવાળી બુદ્ધિ હોતી નથી કારણ કે મન અને ઇન્દ્રિયો સંયમિત નહી હોવાથી તે ઉત્પત્તિ-વિનાશશીલ સાંસારીક ભોગો અને સંગ્રહમાં જ લાગ્યો રહે છે.તે ક્યારેક માન ઇચ્છે છે,ક્યારેક સુખ-આરામ ઇચ્છે છે,ક્યારેક ધન ઇચ્છે છે તો ક્યારેક ભોગ ઇચ્છે છે-આ રીતે તેની અંદર અનેક જાતની કામનાઓ થતી રહે છે એટલા માટે તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોતી નથી.
જેની બુદ્ધિ વ્યવસાયાત્મિકા નથી હોતી તેની “મારે તો ફક્ત પોતાના કર્તવ્યનું પાલન કરવું છે અને ફળની ઇચ્છા,કામના,આસક્તિ વગેરેનો ત્યાગ કરવો છે”-એવી ભાવના હોતી નથી.આવી ભાવના નહી હોવાનું કારણ-પોતાનું ધ્યેય સ્થિર નહી હોવું તે છે.જે પોતાના કર્તવ્યને પરાયણ રહેતો નથી તેને શાંતિ મળતી નથી.જે અશાંત છે તે સુખી કેવી રીતે થઇ શકે? કારણ કે તેના હ્રદયમાં હરદમ ખળભળાટ થતો રહે છે.તૃષ્ણા છે ત્યાં સુધી સુખની ગંધમાત્ર મળતી નથી.
જેનું મન વારંવાર બદલે છે તે ચંચળ કહેવાય અને જેનું મન ચંચળ હોય તેની બુદ્ધિ પણ અસ્થિર બને છે.આ અસ્થિર મન જ્ઞાન ન મેળવી શકે તેથી ધ્યાનસ્થ ન થઈ શકે.ધ્યાન ન લાગે તો શાંતિ મળતી નથી અને શાંતિ ન મળે તો સુખ મળતુ નથી.જ્ઞાનં બ્રહ્મ આ વાત જીવનમાં દ્રઢ થવી જોઈએ.સર્વ જ્ઞાનમયો હિ નિત્યમ્ આ વૃત્તિ ઉભી થવી જોઈએ. શિવોઽહં હું જ જ્ઞાનરૂપ છું આ સ્થિતિ પર પહોંચવું જોઈએ તો જ શાંતિ મળે.આ કંઈ રમત વાત નથી કે એક ઘા અને બે કટકાની જેમ તરત પરિણામ મળે.આ માટે લાંબો સમય સુધી પ્રયત્ન કરવો પડે ત્યારે એકાદ વખત અનુભૂતિ થાય તો થાય..પણ આપણો પ્રયત્ન પ્રામાણિક હોવો જોઈએ.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

