ઉનાળો આવતાં જ ડ્રેસના કાપડ તથા સ્ટાઇલમાં ફેરફાર થાય છે. આથી જ ગ્રીષ્મના આરંભ સાથે ફેશન ડિઝાઇનરો સમર કલેકશનની અવનવી શ્રેણી બજારમાં મૂકે છે. આ વર્ષે ગરમીની ઋતુમાં શોર્ટ ડ્રેસની હીટ ફેશન છે. આથી જ પ્રત્યેક તરુણીના વોર્ડરોબમાં શોર્ટ ડ્રેસ હોવા જરૂરી બની ગયા છે. એવું નથી હાલમાં ભારતમાં ઉનાળો હોવાથી આ ફેશન પ્રચલિત બની છે. પરંતુ આંતરરાષ્ટ્રીયસ્તરે પણ શોર્ટ ડ્રેસનો જ ટ્રેન્ડ પ્રવર્તે છે આથી જ ઘણા ભારતીય ડિઝાઇનરોએ આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ સાથે તાલ મિલાવવા ડ્રેસની લંબાઇ ઘટાડીને ઘુંટણ સુધીની કે તેનાથી પણ ઓછી કરી નાંખી છે.
શોર્ટ સ્કર્ટ કે ડ્રેસથી ગરમીથી તો રાહત મળે જ છે ઉપરાંત તે અત્યંંત સેક્સી પણ દેખાય છે. ઘેરદાર અથવા પ્લેટવાળો ડ્રેસ શરીર પર ચોંટતો નથી અને હરવા ફરવામાં પણ સહેલાઇ રહે છે. આ પ્રકારના ડ્રેસનું ગળું થોડું નીચું રાખવું તથા સુંવાળી પીઠ પર પરસેવાના રેલા ન ઉતરે તે માટે પાછળથી પણ નીચું ગળું હોય તેનું ધ્યાન રાખવું જોઇએ. આમ જોવા જાવ તો આવા ડ્રેસથી એક કાંકરે બે પક્ષી માર્યા જેવું થાય છે, એક તો ગરમીથી રાહત થાય છે ઉપરાંત શરીરની સુંદરતા પણ દર્શાવી શકાય છે.
એવું નથી કે શોર્ટ ડ્રેસમાં સિકવન્સ કે લેસનો જ ઉપયોગ કરી શકાય. જુદી-જુદી પ્રિન્ટ ધરાવતા ટૂંકા ડ્રેસ પણ માનુનીઓના દેહ પર શોભે છે. હાલમાં ટૂંકા વસ્ત્રોના કાપડ પર સૌરાષ્ટ્ર, ગૌંડા અને બોન્ડા (ઓરિસ્સા)ના આદિવાસીઓ કરે તેવી ડિઝાઇન પણ પ્રચલિત બની છે. તે ઉપરાંત રિક્ષા, સ્ટેમ્પ અથવા વાઘની છાપ ધરાવતાં ફેસની માગ પણ વધી રહી છે. કેટલાક ફેશન ડિઝાઇનરોએ ઉનાળા માટે બનાવેલા ખાસ શોર્ટડ્રેસ માટે લાલ, લીલા તથા ભૂરા રંગના કાપડને પસંદ કર્યું છે. આ ડ્રેસને થોડો ગ્લેમરસ બનાવવા ગોલ્ડ, સિલ્વર અને તાંબાના તાર કે ટીકી વડે ઓપ આપવામાં આવે છે. આ વર્ષે ગરમીમાં સુતરાઉ ઉપરાંત લિનન, સિલ્ક, બ્રોકેડ, ઓર્ગેન્ઝા, જ્યોર્જટ તથા ખાસ પ્રકારે બનાવેલા જેકાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્લેટ, પીનટક્ડ બોડિઝ, કટઅવે પાઇપ્ડ સોલ્ડર્સ, થોડા મોટા એમ્બ્રોઇડરી કરેલા કફ કે ફૂલોની ડિઝાઇન અથવા મોટીફ અને લેસ લગાડેલા શોર્ટ ડ્રેસ પણ સુંદર દેખાય છે.
જિન્સના કે કોટનના શોર્ટ સ્કર્ટ પર ટેંક ટોપ કે સ્પેગિટી ટોપ સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે.
ફેશનપરસ્ત યુવતીઓ મોટેભાગે ઉનાળાને ધ્યાનમાં રાખી સિફોન ડ્રેસ, બોબી ડોલ ટેન્ક ટોપ્સ, શોર્ટ્સ, શોર્ટ સ્કર્ટ અથવા ટાઇટ જિન્સ કે લિનન પેન્ટ પહેરવાનું પસંદ કરે છે. પ્લેટવાળા ડ્રેસથી પહેરનારની સુંદરતા નીખરી ઊઠે છે. ઉનાળા માટે ખરીદવામાં આવતા પ્રત્યેક ડ્રેસ શરીરને ઠંડક પહોંચાડતા તથા સુવિધાજનક હોવા પણ અત્યંત જરૂરી છે. ડિઝાઇનરોએ સમર કલેકશનમાં પંસંદ કરેલા ઘેરા રંગો ઉપરાંત સફેદ, ક્રીમ, લાઇટ, યલો કે આછા બ્રાઉન રંગની પણ ફેશન છે. જો ડ્રેસ પર પ્રિન્ટ હોય તો તે ફૂલોની અથવા અન્ય કોઇ, પરંતુ સુંદર હોવી જોઇએ. આડેધડ ચિતરામણી કરેલી ડિઝાઇન પસંદ ન કરવી.
કમનીય કાયાની સુંદરતાને ઝળકાવતા ડ્રેસ પસંદ કરતી વખતે માત્ર લેટેસ્ટ ફેશન કે સ્ટાઇલને જ ધ્યાનમાં ન રાખવી પરંતુ આ સ્ટાઇલ તમને શોભે છે કે નહિ તે બાબતનો પણ વિચાર કરવો. તે જ પ્રમાણે જો લાંબા સુંદર પગ ન હોય તો શોર્ટ ડ્રેસ સુંદર દેખાશે નહિ. એટલે ડ્રેસની પસંદગી વેળા ફિગરનેપણ ધ્યાનમાં રાખવું આવશ્યક છે.
હાલમાં સમાપ્ત થયેલા લેકમે ફેશનવીકમાં પણ અનેક કોશ્ચ્યુમ ડિઝાઇનરોએ શોર્ટ ડ્રેસની નવીનતમ શ્રેણી રજૂ કરી હતી. નીચા ગળાના પ્રિન્ટેડ ડ્રેસ અને શોર્ટ પિનાફોર્મ ઉપરાંત ફ્યુશીયા અને કેસરી જેવા ઘેરા રંગમાં જ્યોર્જટના સ્ટ્રેપી અને લેયર્ડ ડ્રેસ ઉનાળામાં આકર્ષક દેખાય છે તે સાથે જ ગરમીથી પણ રાહત મળે છે. આ ડ્રેસમાં બસ્ટ લાઇન (છાતીની નીચેનો ભાગ) પાસે સિકવન્સ ભરેલી લેસ કે ક્રિસ્ટલનું ભરતકામ કરેલું હોય છે. આના કારણે ડ્રેસનો લુક એકદમ ‘ફુલ’ થઇ જાય છે. આ ઉપરાંત ઘેરદાર અથવા નાની-નાની પ્લેટ ભરેલા ઘુંટણ સુધીના સાટીન બોર્ડર લગાડેલા ડ્રેસ પણ પાર્ટી પ્રેમીમાનુનીઓની લેટેસ્ટ ફેશન બની ગયા છે.
કોલકાતાની ડિઝાઇનર અગ્નિમિત્રા પોલે ભારે ફેબ્રિક અને ઘેરા રંગ સાથે ઉનાળા માટે ખાસ ‘રિગલ કલેકશન’ની શ્રેણી બનાવી છે. આ ડિઝાઇનરે પારંપરિક ભૂતાનીઝ ડ્રેસમાથી પ્રેરણા લઇ વર્તમાન ડિઝાઇન પ્રમાણેના સુંદર શોર્ટડ્રેસ તૈયાર કર્યા છે. અગ્નિમિત્રાએ બે- ત્રણ કાપડને મિક્સ મેચ કરીને આગવા ડ્રેસ બનાવ્યા છે. જેમ કે વેલ્વેટ, કોર્ડરોય કે સુંવાળા ઊન સાથે નેટ, જ્યોર્જટ કે લાયક્રાનું ફ્યુઝન કરી તેના પર ભરત ભરવામાં આવ્યું કે ગોલ્ડ ફોઇલ પ્રિન્ટીંગ કર્યું અથવા સિકવન્સ ભરવામાં આવ્યા હતા. આ પ્રકારે મિક્સ એન મેચ કરેલા કાપડમાંથી બનેલા ડ્રેસ ખૂબ જ સુંદર હતા.