New Delhi,તા.23
આરબીઆઈ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટસ (પીપીઆઈ) એટલે કે ડિજીટલ વોલેટ અને કાર્ડસ માટે નવા નિયમોનું માળખુ તૈયાર કર્યું છે. આ પ્રસ્તાવોમાં લેવડ-દેવડની સુરક્ષા વધારવા અને રિફંડ, ફરિયાદોના નિકાલ માટે નિયમ બનાવવા સામેલ છે. જેના પર 22 મે સુધી સૂચનો મંગાયા છે.
પીપીઆઈ એક એવું પેમેન્ટ માધ્યમ છે, જેમાં પૈસા લોડ કરવામાં આવે છે અને બાદમાં એ પૈસાથી ખરીદી કે લેવડ-દેવડ કરવામાં આવે છે. તેને જનરલ પર્પઝ પીપીઆઈ, ગિફટ પીપીઆઈ, ટ્રાંઝીટ પીપીઆઈ (સફર માટે) એનઆરઆઈ માટે પીપીઆઈ અને અન્ય કેટલાક ખાસ કામો માટે ઉપયોગ થનાર પીપીઆઈ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.
ડ્રાફટ અનુસાર કોઈપણ બેન્ક જેને આરબીઆઈએ ડેબીટ કાર્ડ ઈશ્યુ કરવાની મંજુરી આપી છે, તે આરબીઆઈના પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ વિભાગ (ડીપીએસએસ)ને જાણકારી આપીને પીપીઆઈ ઈશ્યુ કરી શકે છે.
ગેરબેન્કીંગ કંપનીઓ પણ આરબીઆઈથી મંજુરી લઈને પીપીઆઈ ઈશ્યુ કરી શકે છે. જનરલ પર્પઝ પીપીઆઈ (જેમકે ઈ-વોલેટ) માટે આરબીઆઈએ પ્રસ્તાવ આપ્યો છે કે તેમાં કોઈપણ સમયે 2 લાખ રૂપિયાથી વધુ રકમ ન હોવી જોઈએ. સાથે સાથે કેશથી તેમાં મહિને માત્ર 10 હજાર રૂપિયા સુધી જ લોડ કરી શકાશે.

