બનાસકાંઠાના ડુવા ગામના રબારી સમાજે પ્રસંગોમાં બીડી સિગારેટ અને અન્ય વ્યસનો પર મૂક્યો પ્રતિબંધ
Banaskantha,તા.૨૫
સમય આવી ગયો છે કે, સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરવામા આવે. આ માટે અલગ અલગ સમાજે પહેલ કરીને કુપ્રથાઓને દૂર કરી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના ડુવા ગામનો રબારી સમાજ પણ આગળ આવ્યો છે. સમાજ દ્વારા કેટલીક બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બનાસકાંઠાના ડુવા ગામમાં રબારી સમાજ દ્વારા ખાસ બેઠકનું આયોજન કરાયું હતં. જેમાં સમાજમાં વ્યાપેલા કેટલાક દૂષણો મામલે ચર્ચા વિચારણા કરાઈ હતી, અને બેઠકના અંતે કેટલાક દૂષણોને દૂર કરવા તેના પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરાઈ હતી. સાજે સમાજ દ્વારા બનાવાયેલા નવા નિયમોનું પાલન ન કરનાર અને તેને તોડનારને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
રબારી સમાજ દ્વારા લેવાયેલા નિર્ણયો
નાના-મોટા પ્રસંગોમાં વપરાતા બીડી-સિગારેટ જેવા વ્યસનો પર સંપૂર્ણ પ્રતિબંધ
જો કોઈ પરિવાર પ્રસંગોમાં અફીણ કે બીડી સિગારેટ વાપરે તો તેના પર ૫૧,૦૦૦ નો દંડ
બારમાની વિધિ પૂરી થાય તે જ દિવસે પોણો મહિનો અને શોક પણ મૂકી દેવોનો નિર્ણય
મરણ પ્રસંગમાં ઓઢામણી પ્રથા પણ બંધ
મરણ પ્રસંગમાં માત્ર ખિચડી-કઢી જ બનાવવી
બારમાના દિવસે માત્ર રોટલા શાક કરવા
મરણ પ્રસંગમાં ઘીની વાડી ફેરવવા અને શીરા બનાવવા પર પણ પ્રતિબંધ. આ નિયમોને તોડનારને દંડ થશે અને આ રકમ રબારી સમાજના શૈક્ષણિક સંકુલ થરાદ ખાતે જમા કરાવાની રહેશે. જે શૈક્ષણિક કાર્યમાં વપરાશે. આમ, રબારી સમાજના આગેવાનો દ્વારા સમાજને સુધારણાના માર્ગે લઈ જવા માટે કમર કસી છે. સમાજમાં ચાલતા કુરિવાજો અને વ્યસન પ્રથાને દૂર કરવાનો આ પ્રયાસ સરાહનીય છે. લોકો વ્યાજ લઈને પણ પ્રથાઓ નિભાવતા હોય છે, આ પ્રથાઓ દૂર કરવામાં આવે તો માણસ વ્યાજના ખપ્પરમાં ઓછો હોમાય. તે માટે રબારી સમાજ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ તથા અન્ય પ્રસંગોને કારણે ખર્ચાઓ વધી રહ્યાં છે, જેને દૂર કરીને સમાજના સંતાનોના શિક્ષણ કાર્ય અર્થે વાપરવાનો નિર્ણય લેવાયો છે.