New Delhi,તા.30
આરબીઆઈએ લોન લેનારાઓ માટે રાહત આપતા નવા નિયમો જાહેર કર્યા છે. હવે બેંકો અને નાણાકીય સંસ્થાઓએ લોન આપતી વખતે ગ્રાહકોને તેની સાથે જોડાયેલી તમામ શરતોની સ્પષ્ટ જાણકારી આપવી પડશે. તેમણે પહેલાથી જ જણાવી દેવું પડશે કે લોન કેટલા સમય માટે છે, કેટલા હપ્તા બનશે અને દર મહિને કઈ તારીખે ચુકવણી કરવાની રહેશે. નવા નિયમો 1 એપ્રિલ 2027 થી લાગું થશે.
નવા નિયમો અનુસાર, બેંકે લોન સાથે જોડાયેલી તમામ બાબતો લેખિતમાં આપવી પડશે. તેમાં એ પણ સ્પષ્ટ જણાવવામાં આવશે કે ગ્રાહક દ્વારા આપવામાં આવતાં હપ્તામાં કેટલો હિસ્સો મુદ્દલનો છે અને કેટલો વ્યાજનો. તેનાથી ગ્રાહકોને એ સમજવામાં સરળતા રહેશે કે તેઓ કુલ કેટલું વ્યાજ ચૂકવી રહ્યાં છે. આ ઉપરાંત, બેંકે લોન પર લાગતા તમામ વધારાના ચાર્જિસની સંપૂર્ણ યાદી પણ આપવી પડશે.
હપ્તો ચૂકવા પર કડકાઈ વધશે
એવી પણ જોગવાઈ છે કે લોનનો હપ્તો ચૂકવવામાં ભૂલ થાય તો ગ્રાહકનું લોન ખાતું NPA શ્રેણીમાં સામેલ થઈ શકે છે, જેની સીધી અસર સ્કોર પર પડશે. જો કોઈ પણ લોનનું મુદ્દલ અથવા વ્યાજ 90 દિવસ સુધી બાકી રહે છે, તો તેને NPA માનવામાં આવશે. આ નિયમ ક્રેડિટ કાર્ડના બાકી લેણાં પર પણ લાગું થશે.

