પ્રભુએ કરમાબાઇનો ખિચડો ખાધો,વિદુરની ખાધી ભાજી
શબરીબાઇના બોરમાં,રામ થયા બહુ રાજી..
કરમાબાઇનો જન્મ રાજસ્થાનના અલવર જીલ્લાના કાલવા ગામના ખેડૂત પરીવારમાં જીવનરામ ડૂડી અને માતા રત્નાદેવીની કૂખે ૨૦ ર્આગસ્ટ-૧૬૧૫ના રોજ આજથી ૪૧૦ વર્ષ પહેલાં થયો હતો. કરમાબાઇના પિતા જીવનરામ ભગવાનના પરમ ભક્ત હતા.તેમનો નિત્ય નિયમ હતો કે તેઓ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને જલપાન કરાવ્યા સિવાય પોતે જળ ગ્રહણ કરતા નહોતા,ભગવાનને ભોગ ધરાવ્યા પછી જ ભોજન ગ્રહણ કરતા હતા.ઇશ્વર પ્રાપ્તિના માટે તેમને અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું હતું.કરમાબાઇનો જન્મ થતાં જ તેઓ હસ્યાં હતાં તેથી એક વૃદ્ધ દાઇએ કહ્યું હતું કે આ બાલિકા ઇશ્વરનો અવતાર છે.કરમાબાઇનું લગ્ન અલવર જીલ્લાના સોઉ ગોત્રમાં ગઢી મામોડ ગામમાં લિખમારામ સાથે કરવામાં આવ્યું હતું પરંતુ થોડા જ સમયમાં તેઓ વિધવા બન્યાં હતાં,તે સમયે કરમાબાઇ કાલવામાં હતાં.પતિના અંતિમ સંસ્કાર કરવા માટે તેઓ પોતાની સાસરીના ગામ ગઢી મામોડ ગયાં હતાં.તેઓએ આજીવન બાલવિધવાના રૂપમાં પોતાનું જીવન ભગવાનની ભક્તિમાં વ્યતીત કર્યું હતું.તેઓ તેમના પિતૃક ગામ કાલવામાં ઘર અને ખેતીનું તમામ કામ કરતાં હતાં તથા અતિથિઓની ઘણી સેવા કરતાં હતાં.કાલવા સિવાયના આસપાસના ગામોમાં પણ તેમની પ્રસંશા થવા લાગી.
કરમાબાઇના પૂર્વજન્મ વિશે કહેવાય છે કે જ્યારે માતા શ્રીયશોદાજી વયોવૃધ્ધ થયા તે સમયે તેઓએ લાડકવાયા લાલાને યાદ કરતાં પ્રભુ પ્રગટ થયા ત્યારે ફરીથી લાડ લડાવવા પુનઃ એક અવતારની ઇચ્છા પ્રગટ કરી હતી.શ્રીઠાકોરજીની કૃપાથી તેઓ શ્રીકરમાબાઈ રૂપે જન્મ્યાં હતા.તેમની સ્થિતિ ગરીબ પણ અંતરની અમીરાત ઘણી હતી.
કરમાબાઇના પિતા ભગવાનના પરમ ભક્ત હતા,એકવાર કરમાબાઇના પિતા કેટલાક દિવસો માટે તીર્થયાત્રા કરવા બહાર જાય છે ત્યારે ભગવાનની પૂજા-અર્ચના તથા ભગવાનને ભોગ ધરાવવાની જવાબદારી કરમાબાઇને સોંપીને જાય છે.બીજા દિવસે ભોળાં કરમાબાઇએ ખિચડી બનાવીને ભગવાનને ભોગ ધર્યો તો ભગવાને ગ્રહણ ના કર્યો ત્યારે કરમાબાઇએ વિચાર્યું કે કદાચ પડદો ન હોવાથી ભગવાન ભોગ ગ્રહણ કરતા નથી તેથી કરમાબાઇએ પોતાના ચણિયાનો પડદો બનાવ્યો અને પોતાનું મુખ બીજી તરફ ફેરવી લીધું કે જેથી ભગવાન ભોગ ગ્રહણ કરી શકે તેમછતાં ભગવાને ભોગ ગ્રહણ ના કર્યો ત્યારે કરમાબાઇ કહે છે કે ભગવાન ! આપ ભોજન નહી કરો તો હું પણ ભોજન નહી કરૂં.આમ પ્રથમ દિવસે કરમાબાઇ ભૂખ્યાં રહ્યાં.બીજા દિવસે પણ કોઇ પરીણામ ના આવ્યું ત્યારે કરમાબાઇએ કહ્યું કે પ્રભુ ! આપ ભોજન નહી આરોગો તો હું પણ ભોજન ગ્રહણ નહી કરૂં અને ભૂખ્યા રહીને મારા પ્રાણનો ત્યાગ કરીશ. આમને આમ ત્રણ દિવસ પસાર થઇ ગયા.ત્રીજા દિવસે ભગવાને કરમાબાઇને સ્વપ્નમાં આવીને કહ્યું કે ઉઠ ! જલ્દીથી ખિચડી બનાવ,મને ઘણી ભૂખ લાગી છે.
કરમાબાઇ સફાળા જાગી ગયા અને જલ્દીથી ખિચડી બનાવી અને ભગવાનને ભોગ ધરાવ્યો તો થોડી જ વારમાં ભગવાન બધી જ ખિચડી ખાઇ ગયા.કરમાબાઇ ઘણા જ ખુશ થાય છે.હવે તો દરરોજ કરમાબાઇ ભગવાનને ખિચડીનો ભોગ ધરાવવા લાગ્યા અને ભગવાન બાલરૂપમાં આવીને કરમાબાઇના ખોળામાં બેસી તેમની ખિચડી ખાવા લાગ્યા,આ કરમાબાઇની ભક્તિની ચરમસીમા હતી.કરમાબાઇને રોજ ચિંતા રહેતી કે બાલકૃષ્ણને ભોજનમાં મોડું ના થવું જોઇએ એટલે તે કોઇ વિધિ-વિધાનમાં પડ્યા વિના અત્યંત પ્રેમથી ખિચડી તૈયાર કરતાં હતાં.એકવાર કરમાબાઇના ઘેર એક સાધુ આવે છે અને નાહ્યા-ધોયા વિના અપવિત્ર દશામાં ખિચડી તૈયાર કરી ભગવાનને ભોગ ધરાવતાં જુવે છે એટલે તેમને કરમાબાઇને પવિત્રતાના માટે સ્નાન વગેરે વિધિ બતાવી.ભક્તિમતી કરમાબાઇએ બીજા દિવસે સાધુને બતાવ્યા અનુસાર સ્નાન વગેરે વિધિ કરી ખિચડી તૈયાર કરી પરંતુ આમ કરવાથી મોડું થઇ ગયું તેથી તેમનું હ્રદય રડી ઉઠે છે કે આજે મારો શ્યામસુંદર ભૂખથી વ્યાકુળ થયા હશે.
કરમાબાઇએ દુઃખી મનથી શ્યામસુંદરને ખિચડી ખવડાવી,તે જ સમયે પુરી(ઓરિસ્સા)માં આવેલ જગન્નાથ મંદિરમાં ઘી માંથી બનેલ અનેક પકવાન ધરાવી પૂજારી પ્રભુને આહ્વાન કરે છે ત્યારે ભગવાન કરમાબાઇની ખિચડી ખાઇને એંઠા મુખે પ્રગટ થાય છે.પૂજારીને ઘણી જ નવાઇ લાગે છે.તે દિવસે પૂજારીએ જોયું કે ભગવાનના મુખારવિંદ ઉપર ખિચડી ચોંટેલી હતી.પૂજારી પણ ભગવાનના અનન્ય ભક્ત હતા. પૂજારીએ નમ્રભાવે ભગવાનને વાસ્તવિકતા જાણવા પ્રાર્થના કરી ત્યારે જવાબ મળ્યો કે દરરોજ સવારે હું કરમાબાઇ પાસે ખિચડી ખાવા માટે જાઉં છું,તેમની ખિચડી મને ઘણી મધુર અને પ્રિય લાગે છે પણ આજે એક સાધુએ આવીને કરમાબાઇને સ્નાન વગેરેની વિધિ બતાવી એટલે ખિચડી બનાવવામાં મોડું થયું એટલે મને ભૂખનું કષ્ટ તો થયું અને ઉતાવળમાં એંઠા મુખે જ મારે આવવું પડ્યું.
ભગવાનની આજ્ઞાનુસાર પૂજારીએ તે સાધુને શોધીને ભગવાને કહેલ તમામ વાતો કહી.ગભરાયેલા સાધુ દોડતા કરમાબાઇના ઘેર જાય છે અને કહે છે કે આપ પહેલાંની જેમ જ ખિચડી બનાવીને ભગવાનને જમાડો.આપના માટે કોઇ નિયમની આવશ્યકતા નથી અને કરમાબાઇ પહેલાંની જેમ ખિચડી બનાવીને ભગવાનને ભોગ ધરાવવા લાગ્યાં.કરમાબાઇના ઘેર ભગવાન જાતે આવીને ભોજન આરોગે છે આ વાત વાયુવેગે ચારે બાજુ ફેલાઇ ગઇ.સંતોએ વાણીમાં ગાયું કે..
પ્રભુએ કરમાબાઇનો ખિચડો ખાધો,વિદુરની ખાધી ભાજી
શબરીબાઇના બોરમાં,રામ થયા બહુ રાજી..
ઘણા દિવસો પછી જ્યારે કરમાબાઇના પિતા તીર્થયાત્રા પુરી કરીને ઘેર પરત આવે છે ત્યારે આ ઘટના કે પ્રભુ દરરોજ બાળસ્વરૂપે આવીને કરમાબાઇનો ખિચડો આરોગે છે જાણીને તેમને ઘણી જ નવાઇ લાગે છે અને કરમાબાઇ થકી તે પણ ભગવાનના દર્શન કરી પોતાને ધન્યભાગી સમજે છે.
કરમાબાઇના પ્રેમના બંધનમાં બંધાઇને ભગવાન જગન્નાથ દરરોજ સવારે ખિચડીનો પ્રસાદ આરોગવા આવે છે એટલે પ્રભુ જગન્નાથ મંદિરના પંડિતોએ આ સમસ્યાના સમાધાન માટે દરરોજ ભગવાન ને રાજભોગ ધરાવતા પહેલાં કરમાબાઇના ખિચડાનો ભોગ જગન્નાથપુરીના મંદિરમાં ધરાવવા લાગ્યા કે જેથી ભગવાનને કરમાબાઇનો ખિચડાનો પ્રસાદ જમવા જવું ના પડે.આજે પણ જગન્નાથપુરીના મંદિરમાં કરમાબાઇના પ્રભુ પ્રત્યેના પ્રેમનું જવલંત ઉદાહરણ જોવા મળે છે.પુરી(ઓરિસ્સા)માં આવેલ જગન્નાથ મંદિરમાં કરમાબાઇનું મંદિર આવેલું છે અને દરરોજ ભગવાન જગન્નાથજીને ખિચડીનો ભોગ ધરાવવામાં આવે છે.
કરમાબાઇની ભક્તિની ચર્ચા દૂર-દૂર સુધી થવા લાગી.કરમાબાઇએ પોતાનું સમગ્ર જીવન ભગવાનની ભક્તિમાં વ્યતીત કર્યું.કરમાબાઇની ભક્તિનું પરિણામ એ છે કે આજે પણ રાજસ્થાનમાં આ વાત્સલ્ય ભક્તિના કિસ્સા લોકોની જીભે સાંભળવા મળે છે.મહિલાઓ કૃષ્ણ મંદિરોમાં કરમાબાઇની ખિચડી સબંધિત ભજનો ભક્તિભાવથી ગાય છે.આમ કરમાબાઇએ પોતાની અનોખી વાત્સલ્ય ભક્તિના કારણે આ સંસારમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી તા.૨૫-૦૭-૧૬૯૧ના રોજ આ નશ્વર દેહ છોડી પરમાત્મામાં વિલીન થઇ ગયાં અને ભગવાનમાં આસ્થા રાખનારાઓ માટે એક સંદેશ છોડીને ગયાં કે બાહ્ય શુદ્ધતાની જગ્યાએ આત્માની શુદ્ધતા તથા ભગવાનમાં સાચી પ્રિતથી પ્રભુ પ્રાપ્તિ સંભવ છે.
કરમાબાઇએ પોતાની ભોળી ભક્તિની શક્તિથી તે આજે પણ એવી સ્ત્રીઓના માટે ઉદાહરણરૂપ બન્યા છે કે જે આચાર-વિચારના વિના પણ ભગવાનમાં સાચી પ્રિત રાખે છે.કરમાબાઇ વાસ્તવમાં સાચા પ્રેમનું પ્રતિક હતાં.કવિએ લખ્યું છે કે..
કરમાં કુલમેં જાટણી નરતનકો અવતાર,પ્રેમ પ્રિતકી પૂતલી સિરજી સિરજનહાર..
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)