New Delhi, તા.6
પડોશી દેશ બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સીમા પર હાઇ એલર્ટ છે. આ કડીમાં સીમા સુરક્ષા દળે રણનીતિક રૂપે અત્યંત મહત્વપૂર્ણ ચિકન નેક (સિલી ગુડી કોરિડોર) ક્ષેત્રમાં સીમા સુરક્ષાને મજબૂત કરતા લગભગ 75 ટકા વિસ્તારમાં નવી ડિઝાઇનની સીમા વાડ (એનડીએફ) સ્થાપિત કરી દીધી છે.
12 ફૂટ ઉંચી નવી ડિઝાઇન ફેન્સીંગને ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં લગાવવામાં આવી છે. આ પ્રયાસથી ઘુસણખોરીની કોશિષ અને પશુઓની તસ્કરી જેવી ઘટનાઓ પર અસરકારક નિયંત્રણ આવશે.
નવી ફેન્સીંગની સાથે સાથે સીમા પર એન ટિલ્ટ ઝુમ (પીટીઝેડ) કેમેરા લગાવવામાં આવ્યા છે, જે રિયલ ટાઇમ લાઇવ ફીડ આપે છે અને કોઇપણ શંકાસ્પદ ગતિવિધિ પર ત્વરિત પ્રતિક્રિયા આપે છે. બીએસએફ આને `સ્માર્ટ બોર્ડર’ની દિશામાં મોટું પગલું માને છે.
આંકડા અનુસાર જાન્યુઆરી-2025થી અત્યાર સુધી બીએસએફે લગભગ 8.5 કરોડ રૂપિયાના પશુ, સોના-ચાંદી, વન્યજીવ ઉત્પાદન, હથિયાર, દારૂગોળા અને અન્ય તસ્કરીના સામાન જપ્ત કર્યા છે.
આ સમયગાળામાં 440 બાંગ્લાદેશી (જેમાં તસ્કર અને ટાઉટ્સ સામેલ છે), 152 ભારતીય અને 11 અન્ય વ્યકિતઓને પકડ્યા છે. આમાંથી 187 બાંગ્લાદેશી નાગરિકોને જરુરી કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા બાદ બીજીબીને સોંપી દેવાયા.
બીએસએફ અધિકારીઓનું કહેવું છે કે, આવનારા સમયમાં પણ ફેસીંગ કવરેજ વધારવા ટેકનિકલ વોચને વધુ સશક્ત કરવા અને સ્થાનિક સમુદાયના સહયોગથી સીમા પર અપરાધો સામે અભિયાન ચાલુ રહેશે.

