Ahmedabad,તા.6
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) દ્વારા તાજેતરમાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે, જે મુજબ બિલ્ડર દ્વારા પ્રોજેક્ટમાં બાકી રહેલા વેચાણ વગરના યુનિટ્સ માટે મેઇન્ટેનન્સ ચૂકવવાની જવાબદારી બિલ્ડરની રહેશે. આ સાથે જ, એલોટીઓ (ખરીદદારો) પાસેથી ઉઘરાવેલી મેઇન્ટેનન્સ ડિપોઝિટનો સંપૂર્ણ હિસાબ આપવા પણ બિલ્ડરને આદેશ કરવામાં આવ્યો છે.
કેસની વિગત મુજબ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા “વેરાન્ટીસ-22” પ્રોજેક્ટની સર્વિસ સોસાયટી દ્વારા બિલ્ડર (એચ.આર.જી. ક્નસ્ટ્રક્શન કંપની) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સોસાયટીનો આક્ષેપ હતો કે બિલ્ડર પાસે રહેલા 4 અનસોલ્ડ યુનિટ્સનું મેઇન્ટેનન્સ આજદિન સુધી ચૂકવવામાં આવ્યું નથી. સામા પક્ષે બિલ્ડરે એવી દલીલ કરી હતી કે જ્યારે આ યુનિટ્સનું વેચાણ થાય ત્યારે નવા સભ્યોએ જ મેઇન્ટેનન્સ ચૂકવવાનું રહે છે.
રેરા ઓથોરીટીએ બિલ્ડરની દલીલને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું હતું કે, અનસોલ્ડ યુનિટ્સનું મેઇન્ટેનન્સ જ્યાં સુધી યુનિટ્સનું વેચાણ ન થાય, ત્યાં સુધી તે યુનિટ્સના મેઇન્ટેનન્સની રકમ ચૂકવવા માટે પ્રમોટર (બિલ્ડર) જવાબદાર છે.
પ્રમોટરે દરેક એલોટી પાસેથી કાયમી મેઇન્ટેનન્સ ડિપોઝિટ પેટે કેટલી રકમ વસૂલ કરી છે તેનો ચોક્કસ હિસાબ આપવો પડશે. જો હિસાબમાં કોઈ તફાવત જણાય અથવા સોસાયટીમાં રકમ જમા કરાવવાની બાકી નીકળતી હોય, તો તે રકમ તત્કાલ સોસાયટીના ખાતામાં જમા કરાવવી પડશે.
ફરિયાદી સોસાયટીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સભ્યો પાસેથી કુલ રૂા. 1,39,53,900/- જેટલી મેઇન્ટેનન્સ ડિપોઝિટ ઉઘરાવવામાં આવી હતી, પરંતુ સોસાયટીના નામે માત્ર રૂા. 90,00,000/- ની જ ફિક્સ ડિપોઝિટ કરવામાં આવી હતી. આ બાબતે પણ ઓથોરીટીએ પ્રમોટરને હિસાબ રજૂ કરવા તાકીદ કરી છે.
આ ચુકાદાથી રાજ્યના હજારો ફ્લેટ ધારકો અને રહેણાંક સોસાયટીઓને મોટી રાહત મળશે, કારણ કે ઘણીવાર બિલ્ડરો પોતાના હસ્તક રહેલા યુનિટ્સનું મેઇન્ટેનન્સ ચૂકવતા નથી, જેના કારણે સોસાયટીના વહીવટમાં મુશ્કેલી પડતી હોય છે.

