Falguni Vasavada (Bhavnagar)
પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરલ, આસામ, અને પોંડિચેરી એમ પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું અને જનતા એ આ વખતે પોતાનો ટેસ્ટ બદલ્યો હોય એમ ચુનાવનું પરિણામ આવ્યું! કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય ત્યાં કોઈની જીત અને કોઈની હાર નિશ્ચિત છે! પરંતુ હા ચુનાવ પર આધાર છે કે યોગ્યની જીત થઈ છે કે નહીં! જો જનતા ખોટાં પક્ષ કે ઉમેદવાર ને ચુને તો એમાં નુકસાન પોતાનું જ છે! એ વાત હવે ચૂંટણીનાં પરિણામો પરથી દેખાય છે! કારણ કે પહેલાં તો આટલું જંગી મતદાન થવું એ જ ઘણું સારું કહેવાય! જોકે હજી પણ અમુક ટકાનાં મત ખોટાં પડે છે! વ્યક્તિને મત સ્વાતંત્ર્યનો પૂરો અધિકાર છે! પણ હજી અપવાદ રુપે મતની લે વેંચ થાય છે ખરી! ચિંતન ને કોણ જીત્યું! કોણ હાર્યું! યોગ્ય છે કે નહીં! એની સાથે કોઈ મતલબ નથી, એટલે કે આ વિશ્લેષણ રાજકીય સિદ્ધિ માટે નથી, પરંતુ ચુનાવ એ એક એવું પરિબળ છે, જેનાથી આપણી જીંદગી સુધરી પણ શકે! અને તબાહ પણ થઈ શકે! અને આમાં ધનવાન ગરીબ, કે સ્ત્રી પુરુષ એવો કોઈ ભેદ નથી! દાખલા તરીકે દરેકની વિદ્યાર્થી અવસ્થામાં જો યોગ્ય શાખાનો ચુનાવ થયો ન્હોય તો એનું પરિણામ સારું આવે નહીં! અને કારકિર્દી જેવી બનવી જોઇએ એવી બને નહીં! ન ગમતા ક્ષેત્રને અપનાવ્યાનો માનસિક સંઘર્ષ રહે. આજકાલ મહત્વાકાંક્ષી પેરેન્ટને કારણે કેટલાંય વિદ્યાર્થીઓ આવું ભોગવી પણ રહ્યાં છે! આર્ટસ સ્ટુડન્ટને સાઈન્સ કેવી રીતે આવડે! કે પછી આંકડાની માયાજાળ કેમ સમજાય! ખાસ કરીને આવું જ યુવક યુવતીનાં સંબંધોમાં થાય! વિજાતીય આકર્ષણને પ્રેમનું નામ આપી રિલેશન તો વધારે પણ પછી ખબર પડે કે એનાં વિચારો, એનો શોખ, બધું જ સાવ જુદું છે! અને આજની પેઢી માટે દરેક વખતે સમાધાન શક્ય નથી હોતું, જોકે એવું નથી કે એરેન્જ મેરેજમાં આવું નથી થતું! શક્યતાં તો ત્યાં પણ એટલી જ છે! વ્યક્તિગત જીવનમાં પણ એક ખોટો ચુનાવ જીંદગીભરનું શૂળ ઊભું કરી શકે!
નમિતા પોતાનાં બે વર્ષનાં દિકરા પર્જન્યને લઈને પાર્કમાં આવી, અને આ એનો રોજનો નિયમ હતો! આ રીતે પોતાનું પણ આઉટિંગ થઈ જાય, અને બે ચાર નવી ઓળખ થાય ! વાતચીત થાય , કારણ કે અહીં વિદેશમાં સગાં સંબંધીઓ ક્યાંથી કાઢવા! બે ત્રણ વિદેશી યુવતીઓ પણ આ રીતે પોતાનાં બાળકો લઈને આવતી હતી, અને બાળકો રમતા હોય ત્યારે યુવતીઓ પોતપોતાનાં કલ્ચરની તેમજ વાનગીઓની રેસીપી શેર કરતી! ડ્રેસ અપ અને મેક અપ ની ટિપ્સ પણ અપાતી, પરંતુ આજે પાર્કમાં એ કોઈ યુવતીઓ આવી નહોતી! નમિતા ઉદાસ થઈને પાછી ફરી જવાં વિચારતી હતી, ત્યાં સામે છેડે બેઠેલી એક યુવતીને જોઈ ! એ ઈન્ડિયન હોય એવું લાગતું હતું, અને એ ખાસ્સી ઉદાસ અને થાકેલી લાગતી હતી, એને થયું એની સાથે વાત કરું!
નમિતા પર્જન્યને લઈ એ બાજું ગઈ! અને જોયું, એનું બાળક માટી ખાતું હતું, છતાં એનું ધ્યાન નહોતું! નમિતા એ બાળકને માટી ખાતું રોક્યું! અને નમિતા એ તેનાં ખભે હાથ મૂક્યો! એ દુઃસ્વપ્ન માંથી જાગી હોય એમ હાફળી ફાંફળી થઈ ગઈ. નમિતા એ એને પાણી આપ્યું અને એનાં વાંસામાં હાથ ફેરવ્યો, તમને કંઈ હેલ્પની જરુર છે? એની આંખો વરસવા લાગી.
નમિતાનાં બહુ પુછવાથી એણે કહ્યું કે મારું નામ કેસર છે! અને હું રાજ્સ્થાનનાં રણથંભોરની વતની છું! અમારી જ્ઞાતિમાં હજી મહિલા સશક્તિકરણ જોયે એવું નથી, સ્ત્રી શિક્ષણ પણ નથી, છતાં સામાન્ય સ્થિતિના મમ્મી પપ્પાએ સમાજ વિરુદ્ધ જઈ મને ભણાવી! પરંતુ કુદરતને કંઈક જુદું મંજૂર હશે, એટલે એક બસ એક્સિડન્ટમાં મમ્મી પપ્પાની એકસાથે વિદાય થઈ ગઈ! હું કાકા કાકી સાથે રહેવા લાગી મારી ઉંમર 16 વર્ષ આસપાસની હતી, ભણવાનું બંધ થયું, કે એકાદ વર્ષમાં સગાઈ લગ્ન થશે, અને હવે ઘર કામ શીખવું પડશે! એ બહાને કાકીને મફતની નોકરાણી જોઈતી હતી! એકવાર મેં એ બંનેની વાત સાંભળી કે ગામના શ્રીમંત શેઠનો ઐયાસ અને વિધૂર દીકરો કે જે મારી કરતાં લગભગ બમણી ઉંમરનો હતો, એની સાથે લગ્ન કરાવે તો પોતાનું વ્યાજ સાથેનું 25 લાખનું દેવું માફ કરી દેશે! આ રીતે હવેલીમાં આવન જાવન શરૂ થશે! વાર તહેવારે દાવત અને મિઠાઈ મળશે! બચવા માટે હું એક રાત્રે ભાગી ગઈ, અને બીજા શહેરમાં રહેતી મારી સહેલીની હોસ્ટેલ જઈ પહોંચી, અને બધી વાત કરી! મારું ભણવાનું છૂટ્યું હતું પણ એ કોલેજ પૂરી કરવામાં હતી. એ પણ નોકરી કરી ભણતી હતી એટલે મને પણ એકાદ કામ મળી જાય તો! એકવાર એનાં એક પિતરાઈ ભાઈ સુમેરુ સિંહનાં જન્મ દિવસની પાર્ટીમાં ગઈ, અને ત્યાં આવેલ એક નવ યુવાન કૌશલ એ પ્રેમ પ્રસ્તાવ મુકયો, અને અમે થોડા સમયમાં લગ્ન કરીશુ એવું નક્કી થયું, જીવન એકદમ સુધરી ગયું એવો અહેસાસ થયો! કાકાનાં મોકલેલા ગુંડા મને જોઈ ગયાં! પણ કૌશલ એ તેને ભગાડી મુક્યાં! પોતે એકલો પહેલાં આવી અને પછી મને બોલાવી! અહીં આવી તો ખબર પડી કે એ પરણિત છે, અને પોતાનાં બાળકને રાખવાં જ આ નાટક કર્યું! પણ ખાલી એટલું જ હોત તોય વાંધો નહોતો! લગ્ન તો કરવાના જ છે, એમ હું ત્યાં જ એનાં બાળકની મા બનવાની થઈ ! પણ હજી તો આપણે ફર્યા પણ નથી! મારે તને વિદેશમાં ફેરવવી છે! એટલે એબોર્ટ કરવી લે! અને મેં મારે હાથે… અને અહીં આવ્યા પછી પણ એનું પતિપણુ એટલે કે જોર જબરદસ્તી તો ચાલું જ છે! પત્ની અહીંની છે, એટલે બંને સાથે જોબ પર જાય પછી પાછો આવે અને.. એકવાર એ સ્ત્રીને વાત કરવા કોશિશ કરી પણ એને તો ઈંગ્લીશ પણ નથી આવડતું! છતાં એને શંકા ગઈ! અને એણે કહ્યું મેં ચોરી કરી અને પકડાઈ ગઈ! મેં પોલીસને સોંપી દઈશ ! એમ કહ્યું એટલે..સાવ અજાણ્યો દેશ, ફોન પણ લઈ લીધો છે! અહીંની પોલીસ પાસે પણ ગઈ હતી, પણ ગમે ત્યાં લોલુપ પુરુષને પહેલાં સ્ત્રીમાં એની કાયા જ દેખાય! અને નમિતાએ એનાં આંસુ લૂછ્યા! ક્યાં રહે છે? એમ પુછ્યું ત્યાં તો એનાં કહેવાતાં પતિની ગાડીનું હોર્ન વાગ્યું, અને વાધ આવતા જેમ હરણી ભાગે એમ ભાગી! નમિતા કેસર ઉભી રહે! ઉભી રહે! હું તારી હેલ્પ કરીશ ! અહીંથી જવું હોય તો પણ, અને અહીં રહેવું હોય તો પણ ! એણે પાછું ફરીને લાચાર નજરે જોયું! નમિતા એને જતી જોઈ રહી, પોતે એની સ્ટોરી સાંભળીને એટલી ક્ષુબ્ધ થઈ ગઈ કે, એને પાછળ દોડી ગાડી નંબર નોટ કરી લેવો જોઈએ! એ પણ સુઝ્યું નહીં! અને કેમ શોધવી? કારણ કે એ તો ક્યાંક જતાં હતાં અને ગાડી અટકી એટલે અહીં રોકાયા હતાં એમ એણે કહ્યું હતું! તો ખોટાં ચુનાવ નાં આવાં કેટલાંય કિસ્સા મળશે!
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

