Bhopal,તા.27
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના સેમરિયા હનુમાન મંદિર પાસે એક ભયંકર માર્ગ અકસ્માતે ખુશીઓને માતમમાં ફેરવી દીધી હતી. મુખ્યમંત્રી ડો. મોહન યાદવના ‘હિતગ્રાહી સંમેલન’માંથી પરત ફરી રહેલી એક બસ અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માત ઉમરાનાળા વિસ્તારમાં થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. જેના કારણે મુસાફરો બસની અંદર જ ફસાઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓ મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે એક મુસાફરનો હાથ કપાઈને અલગ થઈ ગયો હતો, જ્યારે ઘણા મુસાફરોના માથામાં ગંભીર ઈજાઓ થઈ છે.
ઘટનાની જાણ થતા જ 20થી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને કારણે રોડ પર 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને દૂર કરવા અને રાહત બચાવકાર્યમાં પોલીસ પ્રશાસન જોતરાયું હતું.
છિંદવાડા SP એ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, અને મૃત્યુઆંકની પુષ્ટિ કરતાં કહ્યું હતી કે મૃતકોમાં 6 પુરુષો, 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે.
બસમાં કુલ 41 લોકો સવાર હતા, જે તમામ હિતગ્રાહી સંમેલનમાંથી પરત ફરી રહ્યા હતા. ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તેઓ છિંદવાડામાં આયોજિત સંમેલનમાં ભાગ લેવા ગયા હતા, જ્યાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ડો. મોહન યાદવ હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બસ મુસાફરોને લઈને ઉમરાનાળા તરફ જઈ રહી હતી, ત્યારે જ રસ્તામાં ટ્રક કાળ બનીને ત્રાટકી હતી.

