New Delhi
આગામી સમયના દેશના રાજકારણ પર મહત્વપૂર્ણ અસર કરી શકતી પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીના અંતિમ તબકકામાં તા.29ના રોજ પ.બંગાળની બાકી રહેલી 142 ધારાસભા માટે મતદાન પુર્વે આજે પ્રચાર પડધમ શાંત થયા છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ તથા ભાજપના સ્ટાર પ્રચારકોની ફોજે અંતિમ દિવસે પ્રચારમાં પરાકાષ્ઠા લાવી હતી.
તો મમતા બેનરજી એકલા હાથે પક્ષની સતા ફરી આવે તે રીતે જંગ ખેલી રહ્યા છે. પ્રથમ તબકકામાં 152 બેઠકો પર ભારે મતદાને રાજકીય રહસ્ય વધારી દીધુ છે અને હવે બુધવારનું મતદાન જે મોટાભાગે કોલકાતા સહિતના શહેરી વિસ્તારોને આવરી લેનાર છે.
તેમાં મતદાન કેટલુ હશે તેના પર નજર છે અને બુધવારે મતદાન પુરુ થતા જ એકઝીટ પોલ જાહેર થતા રોમાંચ વધશે. છેલ્લી ત્રણ ટર્મથી મમતા બેનરજી સતા પર છે જે ટકાવી રાખવાનો પડકાર છે. ભાજપ જો જીતશે તો પ.બંગાળમાં તેની પ્રથમ સરકાર હશે અને તા.4ના પરિણામોમાં આસામ, કેરળ, પોંડુચેરી તથા તામિલનાડુમાં પણ કોની સરકાર હશે તે નિશ્ર્ચિત થશે.

