New Delhi,તા,29
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 માં રાજસ્થાન રોયલ્સના સ્ટાર બેટ્સમેન અને કેટોન રિયાન પરાગ એક નવા વિવાદમાં ફસાયો છે. પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં રિયાન પરાગ ‘વેપિંગ’ (ઈલેક્ટ્રોનિક સિગારેટનો ઉપયોગ) કરતો કેમેરામાં કેદ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતા ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કેવી રીતે સામે આવી ઘટના?
મેચ દરમિયાન જ્યારે બ્રોડકાસ્ટરનો કેમેરો રાજસ્થાન રોયલ્સના ડ્રેસિંગ રૂમ તરફ ગયો, ત્યારે રિયાન પરાગ શંકાસ્પદ રીતે ધુમાડો છોડતો જોવા મળ્યો હતો. વીડિયોમાં તે સ્પષ્ટપણે તેના હાથમાં રહેલા એક ઉપકરણ (Vape) નો ઉપયોગ કરતો દેખાય છે.
સ્ટેડિયમ અને ડ્રેસિંગ રૂમ જેવી જાહેર જગ્યાઓ પર ધૂમ્રપાન કે વેપિંગ પર સખત પ્રતિબંધ હોવા છતાં આ કૃત્ય સામે આવતા રિયાનની શિસ્ત પર સવાલો ઉભા થયા છે. પંજાબ અને રાજસ્થાનના મેચ વખતે રાજસ્થાનની બેટિંગ દરમ્યાન 16મી ઓવરમાં બન્યો જ્યારે રિયાન પરાગ તેના ટીમના સભ્યો ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલની હાજરીમાં ઇલેક્ટ્રોનિક સિગારેટનો ઉપયોગ કરતો હતો.
શું છે સ્મોકિંગ નિયમ
ડ્રેસિંગ રૂમ અને સ્ટેડિયમ પરિસરમાં ધૂમ્રપાન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, સિવાય કે નિયુક્ત વિસ્તારો. તેથી, તે આઘાતજનક હતું કે પરાગ પાસે કથિત રીતે ઈ-સિગારેટ/વેપ હતો – જેને ભારતે ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ (PECA) 2019 હેઠળ પ્રતિબંધિત કર્યો હતો.
આ કાયદાએ ભારતમાં ઈ-સિગારેટ/વેપના ઉત્પાદન, વેચાણ, ખરીદી, આયાત, નિકાસ અને જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો હતો અને ઉલ્લંઘન કરવા પર જેલ અને ભારે દંડ થઈ શકે છે.
શું થઈ શકે છે કાર્યવાહી?
IPL ના કડક ‘કોડ ઓફ ક્નડક્ટ’ મુજબ, ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં મર્યાદા જાળવવી અનિવાર્ય છે. જો BCCI અથવા મેચ રેફરી આ મામલે રિયાન પરાગને દોષિત ઠેરવે, તો તેના પર ભારે દંડ અથવા એક-બે મેચનો પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. હાલમાં રાજસ્થાન રોયલ્સ મેનેજમેન્ટ અથવા ખેલાડી તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

