West Bengal,તા,29
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં બીજા તબક્કાનું મતદાન આજે ભારે તણાવ અને હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ વચ્ચે ચાલુ છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપના શુભેન્દુ અધિકારી સામસામે આવી જતાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.
ભવાનીપુરમાં એક જ મતદાન કેન્દ્ર પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી પહોંચી જતાં વિસ્તારમાં તણાવ પેદા થયો હતો. શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતા બેનરજી મતદારોમાં ડર ફેલાવવા માટે મોટી સંખ્યામાં બહારના લોકોને સાથે લઈને ફરી રહ્યા છે. તેમણે કહ્યું, હું માત્ર મારા સુરક્ષા ગાર્ડ્સ સાથે છું, તો મમતાજી કેમ આટલું મોટું ટોળું લઈને આવ્યા છે?ઉત્તર 24 પરગણામાં કેટલાક મતદારોએ મુખ્યમંત્રી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, મમતા બેનરજી પોતાની ગાડીમાં ગુંડાઓ લઈને આવ્યા છે અને લોકોને ધમકાવી રહ્યા છે. એક મતદારે તો ત્યાં સુધી કહ્યું કે, “તેમને લાગે છે કે તેઓ ચૂંટણી હારી રહ્યા છે, એટલે જ આવું કરી રહ્યા છે.”ચાપડા વિધાનસભાના બૂથ નંબર ૫૨ પર ભાજપના પોલિંગ એજન્ટ મોશર્રફ પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમના માથામાં 6 ટાંકા આવ્યા છે. ભાજપના ઉમેદવાર સૈકત સરકારે આ હુમલા પાછળ TMC કાર્યકરોનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.બીજી તરફ, ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, બંગાળમાં માત્ર INS યુદ્ધજહાજ અને રાફેલ તૈનાત કરવાના બાકી છે, સરકાર એ પણ કરી લે. 30 લાખ મતદારોને મત આપવાથી રોકવામાં આવ્યા છે. અમે 2021 કરતાં વધુ બહુમતી સાથે ચોથીવાર સરકાર બનાવીશું. પોતાના મતવિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મમતા બેનરજીએ પત્રકારો સાથેની વાતચીતમાં બળાપો ઠાલવતા કહ્યું કે, બહારથી આટલા બધા ઓબ્ઝર્વર્સ બોલાવવામાં આવ્યા છે, જેઓ માત્ર ભાજપનું જ કામ કરી રહ્યા છે. ભાજપના ઈશારે નાચે છે. જરા તમારી ચારે બાજુ જુઓ, અમારા એક પણ પોસ્ટર રહેવા દીધા નથી, બધા હટાવી દેવામાં આવ્યા છે. શું લોકશાહીમાં આવી રીતે ચૂંટણીઓ થાય છે?

