New York, તા.24
જયોર્જિયામાં રહેતી 38 વર્ષની ક્રિસ્ટના મરેએ ડિસેમ્બર 2023માં સ્પર્મ ડોનરની મદદથી IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેક્નિક દ્વારા એક બેબી બોયને જન્મ આપ્યો.
એમાં સ્ત્રીનાં એગ્સ અને પુરૂષ ડોનરના સ્પર્મને લેબોરેટરીમાં ફલિત કર્યા પછી ગર્ભ (એમ્બ્રિયો) સ્ત્રીના ગર્ભાશયમાં રોપવામાં આવે છે. નવ મહિને ક્રિસ્ટેનાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો એ અશ્વેત હતું.
જોકે ક્રિસ્ટેનાએ જ્યારે સ્પર્મ ડોનર સિલેક્ટ કરેલા ત્યારે બે શ્વેત ડોનર્સનો વિકલ્પ પસંદ કર્યો હતો. એમ છતાં બાળક અશ્વેત જન્મતાં તે સમજી ગઈ કે IVF ક્લિનિકમાં કંઈક ભૂલ થઈ છે. આમ છતાં તેણે તે બાળકને પ્રેમથી સ્વીકારી લીધું. તે પોતે મા બનવાને કારણે ખુશ હતી અને બાળક એકદમ હેલ્ધી અને સરસ હતું.
જોકે કહાનીમાં ટવીસ્ટ ત્યારે આવ્યો જ્યારે તેણે જાન્યુઆરી 2024માં હોમ-કિટથી DNA ટેસ્ટ કર્યો તો તેના DNA મેચ ન થયા. એનો મતલબ એ થયો કે, આ બાળકના જન્મ માટે ક્રિસ્ટેનાના એગ્સનો ઉપયોગ પણ નહોતો થયો અને એને કારણે તેનો બાળક સાથે કોઈ બાયોલોજિકલ સંબંધ નહોતો.
ક્રિસ્ટેનાએ આ બાબત વિશે ક્લિનિકમાં જાણ કરી તો ખબર પડી કે ક્લિનિકે કોઈ બીજા યુગલના IVF માટે તૈયાર કરેલા ભ્રૂણને ક્રિસ્ટેનાના ગર્ભમાં નાખી દીધા હતા.
ક્લિનિકના સ્ટાફે આ બાળકના બાયોલોજિકલ પેરન્ટ્સને શોધીને તેમને જાણ કરી. અશ્વેત બાળકના બાયોલોજિકલ પેરન્ટ્સે હવે પોતાના ત્રણ મહિનાના બાળકની કસ્ટડી મેળવવા કેસ કર્યો. ક્રિસ્ટેનાના વકીલે સમજાવ્યું કે, આ કાયદેસરની લડાઈ તે જીતી નહીં શકે એટલે તેણે બાળકની કસ્ટડી તેના બાયોલોજિકલ પેરન્ટ્સને આપી દેવી પડી.
હવે ક્રિસ્ટેનાએ IVF ક્લિનિક પર કેસ કર્યો છે. તેણે જાણે કોઈ કપલ માટે અજાણતાં સરોગેટ મધરની ભૂમિકા ભજવી દીધી હતી. તેણે બાળકને નવ મહિના પોતાના પેટમાં રાખ્યું, જન્મ આપ્યો, પાલનપોષણ કર્યું, પ્રેમ આપ્યો અને પછી તેણે તે તેના બાયોલોજિકલ પેરન્ટ્સને આપી દેવું પડ્યું.
તેના પોતાના ગર્ભનું શું થયું એ વિશે હજી કંઈ ખબર નથી. અત્યારે તેણે બધું જ ગુમાવ્યું છે. જે ઇમોશનલ ટ્રોમામાંથી તે પસાર થઈ છે અને એમાંથી તે પૂરેપૂરી તો ક્યારેય બહાર આવી નહીં શકે એ માટે ક્લિનિકની ભૂલ જ જવાબદાર છે એટલે તેણે કેસ કર્યો છે
અને ભવિષ્યમાં અન્ય કોઈ સાથે આવી ભૂલ ન થવી જોઈએ એ માટે તે બધાને કોઈ પણ IVF ક્લિનિકમાં જવા પહેલાં સજાગ રહેવા જણાવી રહી છે. ક્લિનિકે આ ભૂલ બદલ માફી માગી છે.