દક્ષિણ-પૂર્વ લંડનમાં એક પ્રખ્યાત ફૂડ કંપનીના ળેન્ચાઈજી આઉટલેટના મેનેજર પર ખોટી રીતે હકાલપટ્ટી અને જાતીય ભેદભાવ કરવાનો આક્ષેપ હતો
London, તા.૨૯
બ્રિટનની એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે એક મામલામાં ભારતીય વ્યક્તિના તરફેણમાં ચુકાદો આપ્યો છે. દક્ષિણ-પૂર્વ લંડનમાં એક પ્રખ્યાત ફૂડ કંપનીના ફ્રેન્ચાઈજી આઉટલેટના મેનેજર પર ખોટી રીતે હકાલપટ્ટી અને જાતીય ભેદભાવ કરવાનો આક્ષેપ હતો. બ્રિટિશ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે પીડિત(ભારતીય મૂળના)ને વળતર પેટે રુપિયા ૬૭૦૦૦ પાઉન્ડ(લગભગ ૮૧.૩૪ લાખ રુપિયા) ચૂકવવાનો આદેશ કર્યો છે. આ રકમમાં ભેદભાવ માટે વળતર, બાકી રહેલા પગાર અને રજાઓનું ચૂકવણું પણ સામેલ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, શ્રીલંકન મૂળના મેનેજરે ભારતીય વ્યક્તિ મઘેશ રવિચંદ્રનને ગુલામ કહીને જાતીય ભેદભાવ કર્યો હતો. સાથે જ ભારતીયો દગાબાજ છે તેમ કહ્યું હતું. આ સપ્તાહમાં થયેલી સુનાવણી દરમિયાન એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલના જજ બોલ એબોટે રવિચંદ્રનના આક્ષેપોને સાચા માન્યા હતા. જાન્યુઆરી ૨૦૨૩માં રેસ્ટોરન્ટના મેનેજર કાજને લીધેલા ઈન્ટરવ્યુ પછી રવિચંદ્રને વેસ્ટ વિકહમ સ્થિત આઉટલેટમાં કામ શરુ કર્યું હતું અને તેને સીધો રિપોર્ટ કાજનને કરવાનો હતો. કેટલાક મહિના સુધી સમસ્યાઓનો સામનો કર્યા પછી જુલાઈ ૨૦૨૩માં મામલો વધુ બગડી ગયો, જ્યારે કાજને રવિચંદ્રન પાસે શિફ્ટમાં વધુ કલાકો સુધી કામ કરાવવાનો પ્રયાસ કર્યો અને તેની સાથે જાતીય ભેદભાવ પણ કર્યો. ટ્રિબ્યુનલે એ પણ નોંધ કરી કે મેનેજરે શ્રીલંકાઈ મૂળના કર્મચારીઓને પ્રાથમિકતા આપી અને રવિચંદ્રનની ઉચિત રજાઓની વિનંતી પણ ફગાવી દીધી હતી. કારણ કે રવિચંદ્રન ભારતીય મૂળનો હતો. ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે, કંપનીએ નોટિસ વિના રવિચંદ્રનને નોકરીમાં કાઢી મૂક્યો, જે લેબર એક્ટનો ભંગ છે. આ સાથે ટ્રિબ્લુનલે સ્વીકાર કર્યો કે આ પ્રકારના વ્યવહારથી કર્મચારીની ગરિમા અને આત્મસન્માનને ઊંડી ઠેસ પહોંચી છે.

