Halvad,તા.૬
હળવદમાં સબસિડાઇઝ ખાતર કૌભાંડ માં ફરિયાદ નોંધાઈ છે. હળવદ પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. હળવદ પોલીસે દરોડામાં આઠ લાખની કિંમતનું સબસિડીયુક્ત ખાતર ઝડપ્યુ હતુ. કારથી પાયલોટિંગ કરીને ટ્રકમાં ખાતરની હેરાફેરીનું કૌભાંડ કરવામાં આવતું હતું.
આરોપી રવિરાજસિંહ ઝાલા, કરશન દોરલા, જયદીપ ઘટોડિયા અને જયસુખ અગ્રાવત સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હળવદના ખાતર કૌભાંડમાં પાડેલા દરોડામાં ૪૦૦ બોરીમાં ૮ લાખ રૂપિયાનું ખાતર ઝડપ્યું હતું. પોલીસે આ કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલી પાયલોટિંગ કાર અને ટ્રકને પણ જપ્ત કર્યા છે.
હળવદ પોલીસે પકડેલા ચાર આરોપીઓને આગામી દિવસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડ મેળવવામાં આવશે. પોલીસનું માનવું છે કે કદાચ આ કૌભાંડના તાર અનેક સાથે જોડાયેલા હોઈ શકે છે. પોલીસ આ કેસમાં આરોપીઓને રિમાન્ડ પર લઈને તેમની વ્યાપક પૂછપરછ કરશે તેમ મનાય છે. સૌથી પહેલો સવાલ તો આરોપીઓએ આ સબસિડીવાળુ ખાતર ક્યાંથી ઉઠાવ્યુ તેનો છે. તેઓએ આ ખાતર કોઈ કારખાનાવાળા પાસેથી ઉઠાવ્યુ છે કે સરકારે જેને લાઇસન્સ આપ્યું હોય તેની પાસેથી ખરીદ્યુ છે કે પછી ખેડૂતો પાસે પહોંચતુ ખાતર રસ્તામાંથી બારેબાર સગેવગે કરી દઈને તેના સ્થાને નકલી ખાતર પહોંચાડી રહ્યા છે, આ બધી અટકળો સેવવામાં આવી રહી છે.
હળવદ પોલીસ આ બધા જ દ્રષ્ટિકોણથી આ કેસને ચકાસી રહી છે. રાજ્યમાં આમ પણ ખાતરની અછતની રાવ ઉઠી છે ત્યારે આ પ્રકારની ખાતર ચોરી કંઇક બીજું જ રંધાતુ હોવાનો નિર્દેશ કરી જાય છે. તેથી આ ખાતર ચોરીના તાર કયા છેડાને અડે છે તે જોવુ મહત્વનું રહેશે. આરોપીઓની આગળ તપાસ થાય તેમાથી પોલીસને બીજી કડીઓ મળી શકે છે. આ ઉપરાંત પકડાયેલા સાધનમાં જીપીએસ ટ્રેકર દ્વારા પણ પોલીસ કંઇક મહત્વની કડી મળી શકે છે.

