New Delhi તા.30
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ભીષણ યુધ્ધ વધુને વધુ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે ત્યારે ક્રુડતેલમાં તેજીનો દોર સતત આગળ વધ્યો છે. આજે વિશ્વબજારમાં ક્રુડ તેલનો ભાવ 120 ડોલરની નજીક પહોંચી ગયો હતો. ભારત સહિત વિશ્વભરના દેશો પર મોંઘવારી સહિતનો ખતરો વધતો રહેવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
યુધ્ધની અસરે ક્રુડતેલની સપ્લાય મોટા પ્રમાણમાં પ્રભાવિત થઇ છે. ઇરાને હોર્મુઝ ખાડીમાંથી જ્હાજોની અવર-જવર નિયંત્રીત કરી દીધી છે અને ક્રુડ ભરેલા જહાજો પસાર થવા દેવાતા નથી પરિણામે ભારત સહિતના દેશોમાં પેટ્રોલીયમ મોરચે ચિંતાભરી હાલત સર્જાઇ છે.
સરકાર દ્વારા પણ તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પરિણામે વિશ્વસ્તરે ક્રુડતેલના ભાવ સતત ઉછળી રહ્યા છે. વિશ્વ બજારમાં આજે ક્રુડતેલ 120 ડોલરની નજીક પહોંચી ગયું હતું. બ્રેન્ટક્રુડ 3 ટકાના ઉછાળાથી 120 ડોલર થયું હતું અને ત્યારબાદ 115.91 ડોલર સાંપડ્યું હતું. ડબલ્યુટીઆઇ ક્રુડનો ભાવ પણ 100 ડોલરને વટાવી ગયો હતો અને 101.58 ડોલર સાંપડ્યું હતું.
જાણકારોના કહેવા પ્રમાણે ઇરાન યુધ્ધ વધુ ખતરનાક સ્તરે આગળ આવી રહ્યું છે. અમેરિકા દ્વારા ભૂમિ સૈનિકો ઉતારવામાં આવી રહ્યા છે પરિણામે આવતા દિવસો વધુ વિનાશક બનવાની આશંકાના કારણે ક્રુડતેલમાં તેજી થઇ છે. યુધ્ધ મોરચે કોઇ રાહત ન થાય તો આવતા દિવસોમાં ક્રુડતેલનો ભાવ વધુ ઉંચાઇએ પહોંચે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ છેલ્લા દિવસોમાં કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં જોરદાર કડાકો સર્જાયાના પગલે રિઝર્વ બેન્ક એક્શનમાં આવી હતી અને બેંકોની ફોરેક્સ મર્યાદામાં નિયંત્રણ મુકવા ઉપરાંત સટ્ટાબાજી રોકવા માટે જાહેરાત કરતાં રૂપિયામાં મોટી અફડાતફડી થઇ હતી.
બેન્કોની લોંગ પોઝીશન પર નિયંત્રણ મુકવાની સાથોસાથ 100 મીલીયન ડોલરની મર્યાદા મુકી દેવામાં આવી છે. વિકએન્ડમાં રિઝર્વ બેન્કના આ કદમથી બેંકો તથા ફોરેક્સ ઓપરેટરોમાં સોંપો પડી ગયો હતો. આ પગલાની અસરે આજે ડોલર સામે રૂપિયા 130 પૈસા મજબૂત ખુલ્યો હતો પરંતુ પછી તેની અસર ભુસાવવા લાગી હોય તેમ બપોરે માત્ર 16 પૈસાના સુધારાથી 94.65 સાંપડ્યો હતો.

