Tehran, તા.8
મધ્ય પૂર્વમાં યુદ્ધ વિરામની જાહેરાત માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જમીની સ્તરે સ્થિતિ હજુ પણ અત્યંત તણાવપૂર્ણ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝફાયરની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ આખા ખાડી વિસ્તારમાં ખતરાની સાયરન ગુંજવા લાગી હતી.
સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, કુવૈત અને કતાર જેવા દેશોમાં સુરક્ષા એજન્સીઓ અચાનક એક્શનમાં આવી ગઈ હતી. ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે ઈરાન તરફથી મિસાઈલો છોડવામાં આવી છે, જેને રોકવા માટે ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દેવામાં આવી છે.
ખાડીના દેશોમાં સ્થિતિ એટલી નાજુક છે કે કુવૈત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સે તેમના એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા દુશ્મનના ડ્રોન અને મિસાઈલ હુમલાઓને હવામાં જ તોડી પાડ્યા હોવાની પુષ્ટિ કરી છે.
બહેરીનમાં પણ લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસી જવા અપીલ કરવામાં આવી છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સહિતના પૂર્વી વિસ્તારોમાં ચેતવણી જાહેર કરાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ખાસ કરીને કતાર સરકારે સુરક્ષાના ખતરાને ‘હાઈ લેવલ’ ગણાવીને તેના નાગરિકોને ઘરોમાં જ રહેવાની કડક સલાહ આપી છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે ભલે સીઝફાયરની વાત ચાલતી હોય, પણ ખતરો હજુ ટળ્યો નથી.

