Mumbai,તા.12
બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમાર અને મસ્ત-મસ્ત ગર્લ રવિના ટંડનની જોડી એક જમાનામાં સુપરહિટ માનવામાં આવતી હતી. ‘મોહરા’ (1994), ‘ખિલાડીયોં કા ખિલાડી’ (1996) અને ‘પોલીસ ફોર્સ’ (2004) જેવી યાદગાર ફિલ્મો આપ્યા બાદ, આ સુપરસ્ટાર જોડી હવે આગામી મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ દ્વારા ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા જઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન અક્ષય કુમારે રવિના ટંડન સાથે આટલા વર્ષો પછી કામ કરવાના પોતાના અનુભવને શેર કર્યો હતો.
રવિના ટંડનની પ્રશંસા કરતા અક્ષય કુમારે તેને અત્યંત ‘પ્રોફેશનલ’ ગણાવી હતી. તેણે જૂના દિવસોનો એક કિસ્સો યાદ કરતા જણાવ્યું કે, ‘તેનું પ્રોફેશનલિઝમ આજે પણ બિલકુલ બદલાયું નથી, તે પહેલાં જેવી જ સમર્પિત છે. મને યાદ છે કે અમે એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને સૂર્યાસ્ત થવામાં માત્ર 25 થી 30 મિનિટનો જ સમય બાકી હતો. અમારો ગ્રીન રૂમ ઘણો દૂર હતો અને રવિનાએ શૉટ માટે ઝડપથી કપડાં બદલીને પાછા આવવાનું હતું, જે લગભગ અશક્ય લાગતું હતું. જોકે રવિનાએ જનરેટર વેનની અંદર જઈને ફટાફટ કપડાં બદલી નાખ્યા અને સમયસર શૉટ આપવા આવી ગઈ હતી.’

