Shimla, તા. 6
હિમાચલ પ્રદેશનાં ચંબા અને કાંગડા જિલ્લામાં શુક્રવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતાં, જેનાં કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ભારતીય સમય અનુસાર રાત્રે 1004 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 આંકવામાં આવી છે.
આપત્તિ વ્યવસ્થાપનના પ્રારંભિક અહેવાલો અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ચંબા જિલ્લાનાં ભરમૌર આસપાસ જમીનથી માત્ર 5 કિલોમીટરની ઓછી ઊંડાઈએ નોંધાયું હતું. કેન્દ્રબિંદુ છીછરું હોવાનાં કારણે આંચકાની તીવ્રતા વધુ અનુભવાઈ હતી.
ચંબા તેમજ કાંગડા ઉપરાંત આસપાસનાં અનેક વિસ્તારોમાં અંદાજે પાંચ સેકન્ડ સુધી ધરતી ધ્રુજી ઉઠી હતી, જેને પગલે ગભરાયેલા લોકો તાત્કાલિક પોતાનાં ઘરોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
જો કે, રાહતની વાત એ છે કે આ કુદરતી આફતમાં હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે ભારતીય ઉપમહાદ્વીપ અને ખાસ કરીને ઉત્તર-પૂર્વીય ભારત સહિતની સમગ્ર હિમાલયન રેન્જ ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ઝોનમાં આવે છે.
આ ભૌગોલિક ક્ષેત્રમાં સક્રિય ફોલ્ટ લાઈનો આવેલી છે, જ્યાં ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચે સતત ટેક્ટોનિક હલચલ થતી રહે છે. આ પ્લેટો વચ્ચેના ઘર્ષણ અને દબાણને કારણે હિમાલયનાં પહાડી વિસ્તારોમાં અવારનવાર નાના-મોટા કંપન અને ભૂકંપના આંચકા આવતા રહે છે, જે એક સામાન્ય પ્રક્રિયા હોવા છતાં સ્થાનિક તંત્રને સતત એલર્ટ પર રાખે છે.
આ ઘટના ઉપરાંત અગાઉ અફઘાનિસ્તાનમાં પણ 5.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી-NCR સુધી અનુભવાયા હતા, જે આ સમગ્ર બેલ્ટની સંવેદનશીલતા દર્શાવે છે.

