નવું કરવેરા અધિનિયમ ૨૦૨૫નું સ્વાગત થવું જોઇએ. કરવેરો એક એવો સંવેદનશીલ વિષય છે, જમાં સુધારને અવકાશ હંમેશાં રહે છે અને રહેશે. એ પ્રશંસનીય છે કે ૬૩ વર્ષ જૂના કરવેરા કાયદાને બદલવામાં આવશે. કરવેરાની દુનિયામાં જેને ‘સરલ’ કહેવામાં આવે છે, તે વાસ્તવમાં આમ આદમી માટે જટિલ છે. જો આપણે નવા અધિનિયમ દ્વારા બચેલી જટિલતાથી આગળ જરૂરી સરળતા તરફ વધી રહ્યા છીએ તો તે સુખદ છે. આવકવેરા મોરચે હજુ પણ ઘણું કરવાની જરૂર છે. કરવેરા કાયદા બદલવા અને તેને સરળ અને સુસ્પષ્ટ કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે, તેની પુષ્ટિ એનાથી થાય છે કે નવું કરવેરા વિધેયક ૬૨૨ પાનાંનું છે, જ્યારે હાલના કરવેરા અધિનિયમમાં ૧૬૪૭ પાનાં છે. નાણાંમંત્રીનું માનીએ તો નવા કરવેરા કાયદાથી કર સંહિતા વધુ સરળ થઈ જશે અને તે કરવેરા અધિકારીઓની સાથે કરદાતાઓને જટિલ નિયમો સાથે આસાનીથી ન સમજાતી ભાષાથી છૂટકારો મળે. કરવેરા વિધેયકને સંસદીય સમિતિ પાસે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી એ આશા કરવામાં આવે છે કે ત્યાં તેના પર વ્યાપક વિચાર-વિમર્શ દરમ્યાન તેને વાસ્તવમાં સરળ રૂપ આપવામાં મદદ મળશે.
કરવેરા સંબંધી નિયમ-કાયદા સરળ કરવાનું જેટલું જરૂરી છે એટલું જ તેની ગુંજાશ ખતમ કરવી કે કરવેરા વિભાગ લોકોને બિનજરૂરી રૂપે ના તો સવાલ-જવાબ કરી શકે અને ના કોઈ ભૂલચૂક પર તેમની પજવણી કરી શકે. એ ત્યારે જ સંભવ હશે, જ્યારે કરવેરા અધિકારી કરદાતાઓને શંકાની નજરે જોવાનું બંધ કરશે. તેમણે એ પણ સમજવું પડશે કે કરવેરા બચાવવાના ઉપાય અપનાવવાનો મતલબ ચોરી કરવી નથી. કરવેરા વિભાગે એ કારણોનું નિવારણ પણ કરવું પડશે, જેને કારણે લોકો આવક છૂપાવવાના પ્રયત્નો કરે છે. તેની સાથે જ એવી પણ વ્યવસ્થા કરવી પડશે, જેનાથી કરવેરાનું આકલન કરવા અને તેની વસૂલીમાં ભ્રષ્ટાચાર ન થવા પામે. આ એટલા માટે જરૂરી છે, કારણ કે થોડા દિવસ પહેલાં જ ફેસલેસ એસેસમેન્ટ યોજનામાં ગાબડું પાડવાનો મામલો સામે આવ્યો. આ મામલે આવકવેરા વિભાગના એક ડેપ્યુટી કમિશનરની પણ સંડોવણી જોવા મળી. એ પણ સમયની માંગ છે કે સરકાર કરદાતાઓની સંખ્યા વધારવાનો ઉપાય કરે. તે એટલા માટે જરૂરી છે કે હાલમાં કરવેરો ચૂકવનારની સંખ્યા ચાર કરોડથી પણ ઓછી છે. તેમાં મુખ્યત્વે એ લોકો છે જે નોકરિયાત છે. આ યોગ્ય સમય છે કે એ લોકો પર નજર દોડાવવામાં આવે, જે સક્ષમ હોવા છતાં પણ કરવેરો નથી ભરતા. આખરે જે સમૃદ્ઘ ખેડૂત એક મર્યાદા કરતાં વધુ આવક મેળવે, તેને આવકવેરાના દાયરામાં કેમ ન લાવવા જોઇએ? તેની અવગણના ન કરવી જોઇએ કે કૃષિ આવકને ટેક્સના દાયરાથી બહાર રાખવાના નિયમનો ભરપૂર દુપુરયોગ પણ કરવામાં આવી રહ્યો છે.