Surendranagar, તા.14
`સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામે શેરીમાંથી પસાર થતી બહેન, દીકરીઓની છેડતી કરી ગાળો બોલતા શખ્સોને ઠપકો આપવો એક પરિવારને ભારે પડ્યો છે. ઠપકાનો ખાર રાખી એક જ પરિવારના 5 શખ્સે લોખંડના પાઇપ, સળિયા અને ધોકા વડે હુમલો કરતા 3 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે.
આ મામલે જોરાવરનગર પોલીસે પાંચેય હુમલાખોર વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વડોદ ગામના વિક્રમભાઈ ઉર્ફે પલો વાઘરોડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગામમાં મનસુખભાઈ બાંટીયાના ગલ્લા પાસેથી તેમની બહેન-દીકરીઓ પસાર થતી હોય ત્યારે મનસુખના દીકરાઓ દેકારો કરી ગાળો બોલતા હતા.
આ બાબતે વિક્રમભાઈએ મનસુખભાઈની દુકાને જઈ સમજાવ્યા હતા. જેનો ખાર રાખી થોડીવારમાં આરોપીઓ લોખંડના પાઇપ, સળિયા અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે વિક્રમભાઈના ઘરની બહાર ધસી આવ્યા હતા અને આડેધડ હુમલો શરૂ કર્યો હતો.
વિક્રમભાઈને આરોપી વિશાલે લોખંડનો પાઇપ મારતા જમણા હાથના પોચાના ભાગે ફ્રેક્ચર થયું હતું અને મનસુખ તેમજ રસીકભાઈએ લાકડાના ધોકા માર્યા હતા. વિપુલભાઈ ભાણોને હુમલા વચ્ચે બચાવવા પડતા આરોપી રવિએ માથામાં પાઇપનો ફટકો મારતા 3 ટાંકા આવ્યા હતા. જ્યારે સુરજબેનને આરોપી મહેશે લોખંડના સળિયા વડે કમરના ભાગે ઇજા પહોંચાડી હતી. હુમલાખોરો જતી વખતે જાનથી મારી નાંખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.
પોલીસે આ મામલે મનસુખભાઈ ગાંડાભાઈ બાટીયા, વિશાલભાઈ મનસુખભાઈ, મહેશભાઈ મનસુખભાઈ, રવિભાઈ રસીકભાઈ અને રસીકભાઈ ગાંડાભાઈ બાટીયા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. કેસની વધુ તપાસ એએસઆઈ કે.બી.ખેર ચલાવી રહ્યા છે.

