Jammu and Kashmir, તા.20
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે એક મહત્વના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે, પરિવાર કે સમાજની સંમતિ વગર પણ બે પુખ્ત વયના વ્યક્તિઓ વચ્ચે થયેલા પ્રેમલગ્નને બંધારણીય રક્ષણ મળે છે. આવા લગ્નમાં વ્યક્તિગત પસંદગી અને સ્વતંત્રતાને પ્રાધાન્ય આપવું જરૂરી છે અને તેમાં કોઈ દખલગીરી બંધારણનું ઉલ્લંઘન ગણાય.
નસીમ અખ્તર અને ઝુલ્ફકાર અલી નામના બે યુવાનોએ 1 ફેબ્રુઆરી, 2026ના રોજ મુસ્લિમ વ્યક્તિગત કાયદા, રીતરિવાજ અને પરંપરા અનુસાર પ્રેમથી લગ્ન કર્યા હતા. બંનેએ કોર્ટમાં જણાવ્યું કે તેઓ પુખ્ત વયના છે અને આ લગ્ન તેમની સ્વેચ્છાએ થયા છે.
જોકે, પરિવાર અને સંબંધીઓએ લગ્નને મંજૂરી ન આપતાં તેમને ધમકીઓ, હેરાનગતિ અને શારીરિક હિંસાનો ભય હતો. આ કારણે યુગલે હાઈકોર્ટમાં સુરક્ષા માટે અરજી કરી હતી.જસ્ટિસ એમ. એ. ચૌધરીની એકલ બેન્ચે 10 ફેબ્રુઆરી, 2026ના રોજ આ ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું, “જ્યારે બે પુખ્ત વ્યક્તિઓ પોતાની ઇચ્છાથી લગ્ન કરે છે, તો તેઓ પોતાનો માર્ગ પસંદ કરે છે; તેમનો સંબંધ પૂર્ણ કરે છે; તેમને લાગે છે કે આ તેમનું ધ્યેય છે; અને તેમને આવું કરવાનો અધિકાર છે. આ અધિકારમાં કોઈ દખલ બંધારણીય ઉલ્લંઘન છે.””પરિવાર કે સમુદાયની સંમતિ જરૂરી નથી. બે પુખ્ત વ્યક્તિઓની સંમતિને પવિત્ર રીતે પ્રાધાન્ય આપવું જોઈએ.” વ્યક્તિગત પસંદગી એ મર્યાદા (dignity)નો અભિન્ન ભાગ છે. પસંદગીમાં અવરોધ આવે તો મર્યાદાની કલ્પના પણ કરી શકાય નહીં. આવા લગ્નમાં બંધારણની કલમ 19 અને 21 હેઠળ સ્વતંત્રતા અને જીવનના અધિકારનું રક્ષણ થાય છે.
યુનિયન ટેરિટરીના હોમ સેક્રેટરી, પોલીસ મહાનિરીક્ષક અને રાજૌરી તથા જમ્મુના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને યુગલની ધમકીના મૂલ્યાંકન બાદ પૂરતી સુરક્ષા આપવાનો આદેશ.સુપ્રીમ કોર્ટના લતા સિંહ વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય અને શક્તિ વાહિની વિ. ભારત સરકારના નિર્ણયો અનુસાર કાર્યવાહી કરવી. અધિકારીઓએ યુગલની વય અને લગ્નની કાયદેસરતા તપાસવી, પરંતુ સુરક્ષા આપવી.કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ આદેશથી લગ્નની કાનૂની માન્યતા કે વયની પુષ્ટિ નથી થતી; તે અલગ તપાસનો વિષય છે.

