કામ કરતી વખતે પતરું તૂટી જતાં સર્જાઈ દુર્ઘટના, સારવારમાં દમ તોડ્યો
Veraval,તા.18
વેરાવળ તાલુકાના ડારી ગામના ભાલકા ખાતે ગોડાઉનની છત પર કામ કરતી વખતે પતરું તૂટી જતાં નીચે પટકાયેલા આધેડને ગંભીર ઇજાઓ થતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દમ તોડ્યો છે, બનાવને લઈ પરિવારમાં શોક છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વેરાવળ તાલુકાના ડારી ગામે રહેતા અને કડીયાકામ કરતા કાનજીભાઈ દાનાભાઈ ધારૈયા (ઉં.વ. ૪૧) ગત તા. ૧૩ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ ભાલકા વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે આવેલા ગોડાઉનની છત પર કામ કરતી વખતે પતરું તૂટી જતાં કાનજીભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક કાનજીભાઈ કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, મૃતકને સંતાનમાં ચાર દીકરીઓ છે, જેમણે પોતાના વ્હાલસોયા પિતા ગુમાવ્યા છે. બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે

