ગંભીર ગુનો અને તપાસમાં મળેલા પુરાવાને ધ્યાને લઈ કોર્ટેનું કડક વલણ
Morbi,તા.18
મોરબીના ચકચારી હત્યા કેસમાં મુસ્લિમ શખ્સને જમીનના સોદાના બહાને બોલાવી કારમાં અપહરણ કરી ફાર્મહાઉસે લઈ જઈ માર મારી હત્યા કર્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહ સળગાવી દાટી તેના ઉપર સિમેન્ટનું કોંક્રિટ ધાબું બનાવી દેવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા સહઆરોપી રમેશ અરજણભાઈ અઘારાની નિયમિત જામીન અરજી મોરબી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.
કેસની હકીકત મુજબ, મોરબી સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા. 26 ફેબ્રુઆરી, 2026ના રોજ રિયાઝભાઈ તાજમહમદભાઈ ભટ્ટી (મિયાણા)એ બાલુભાઈ થોભણભાઈ અઘારા સહિત કુલ સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચી ફરિયાદીના પિતા તાજમહમદભાઈ કરીમભાઈ ભટ્ટીને જમીનના સોદાના બહાને તા. 19 ફેબ્રુઆરી, 2026ના રોજ ભડીયાદ સ્થિત ફાર્મહાઉસે બોલાવ્યા હતા. ત્યાં તેમને ગેરકાયદે અટકાયતમાં રાખી મારકૂટ કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. મૃતદેહને કારખાનામાં લઈ જઈ ખાડામાં સળગાવી દાટી દેવાયો હતો અને ઉપર સિમેન્ટનું કોંક્રિટ ધાબું બનાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓની ધરપકડ કરી તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ દાખલ કરી હતી.દરમિયાન સહઆરોપી રમેશ અઘારાએ નિયમિત જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. તપાસ અધિકારીએ સોગંદનામા સાથે ગુનાની ગંભીરતા દર્શાવી જામીનનો વિરોધ કર્યો હતો. ફરિયાદી પક્ષના વકીલોએ પણ પૂર્વયોજિત અને અત્યંત ઘાતકી ગુનો હોવાનું જણાવી અરજી ફગાવવા રજૂઆત કરી હતી.
સરકારી વકીલ વિજયભાઈ જાનીએ દલીલ કરી હતી કે મુખ્ય આરોપી બાલુભાઈ અઘારાએ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનના આધારે તપાસમાં મૃતકના અવશેષો મળી આવ્યા હતા, આરોપીને જામીન પર મુક્ત કરવો યોગ્ય નથી.
બંને પક્ષોની દલીલો,ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં લઈ મોરબીના ઇન્ચાર્જ સત્ર ન્યાયાધીશ ભુમિકા ચંદારાણાએ સહઆરોપી રમેશ અઘારાની નિયમિત જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.આ કેસમાં મૂળ ફરિયાદી તરફેથી રાજકોટના એડવોકેટ લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંદ્રકાંત એમ. દક્ષિણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, મનીષ ગુરૂંગ, નિશાંત જોષી તથા મદદમાં વિક્રમ નાડાર અને પ્રશાંત સીંધવ રોકાયા હતા.

