“હું મારી જિંદગીથી કંટાળી ગયો છું…” પુત્રને ફોન કરી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક
Paddhari,તા.18
પડધરી તાલુકાના મોવૈયા ગામે આધેડે જિંદગીથી નાસીપાસ થઈને ગામના તળાવના કાંઠે ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું મોત નીપજ્યું છે. આપઘાતનું આ પગલું ભરતા પહેલાં આધેડે તેમના દીકરાને ફોન કરીને પોતાની વેદના ઠાલવી હતી. દીકરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો, પરંતુ પિતાએ દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પડધરી તાલુકાના મોવૈયા ગામે રહેતા કાંતિલાલ લાઘાભાઈ સુદાણી (ઉં.વ. ૫૮) મિત્રના ઘરે કારેજની વિધી પતાવ્યા બાદ તળાવના કાંઠે પહોંચીને ઝેરી દવા પી લીધી હતી, કાંતિલાલે પગલું ભર્યા પહેલા તેમના દીકરાને મોબાઈલ ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, “હું મારી જિંદગીથી કંટાળી ગયો છું…” કંઈક અજુકતું થવાની શંકા જતાં જ દીકરો તાત્કાલિક તળાવના કાંઠે દોડી ગયો હતો. પરંતુ તે પહોંચે તે પહેલા જ કાંતિલાલે ઝેરી દવા પી લીધી હતી અને તેઓ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. બેભાન હાલતમાં તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને દમ તોડી દીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક કાંતિલાલ ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ બે ભાઈઓમાં મોટા હતા અને સંતાનમાં તેમને એક દીકરો છે. બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

