Ahmedabad,તા.9
ગઈકાલે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયો હતો જેમાં ભારતની 96 રને ભવ્ય જીત થઈ હતી. આ જીત સાથે ભારતે ઐતિહાસિક રેકોર્ડ પણ સર્જ્યો છે. ભારત એક માત્ર ટીમ બની છે જેને ત્રણ ટી20 વર્લ્ડ કપ જીત્યા તો સતત બે વખત કપ જીત્યા અને સાથે ઘર આંગણે ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ટીમ બની છે.
મેચ નિહાળવા અનેક રાજકીય નેતાઓ, ફિલ્મી સેલિબ્રિટી, પૂર્વ કેપ્ટન સહિતના દિગ્ગજો પહોંચ્યા હતા. ત્યારે અમુક તસવીરો જે હાલ ખૂબ વાયરલ થઈ છે અને લોકોના દિલ જીત્યા છે તેમાં છે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની જીત બાદ ઉજવણી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે સંપૂર્ણ મેચ નિહાળ્યો હતો. તેઓએ તેમના ધર્મપત્ની સોનલબેન શાહ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
મેચ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મેચ નિહાળ્યો હતો. મેચમાં જીત બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તેમના પુત્ર અને આઇસીસી ચેરમેન જય શાહને ગળે મળીને અભિનંદન પાઠવ્યા. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાના દરેક રન અને જ્યારે બુમરાહ સહિતના બોલરો વિકેટ લેતા હતા ત્યારે અમિતભાઈ શાહ ઉજવણી કરતા પણ નજરે પડતા હતા.
ખરેખર, આ સાથે રાષ્ટ્રપ્રેમ અને રમતપ્રેમનો સંગમ જોવા મળે છે. અને જેમ સ્ટેડિયમમાં ઉપસ્થિત 1.30 લાખ ભારતીય ટીમના સપોર્ટર્સ અને વિશ્વભરમાં મેચ નિહાળતા કરોડો ફેન્સની જેમ આ તમામ મહાનુભાવો ઉજવણી કરતા નજરે પડ્યા હતા. આ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં જીતના જશ્નની રીલ પણ મૂકી હતી.

