Rajkot,તા.21
ડાંગ જિલ્લામાં મહારાષ્ટ્ર બોર્ડરના ટોલ નાકા પાસે, સાપતારા નજીક એક ખાનગી બસમાં શોર્ટ-સર્કિટના કારણે ભયાનક આગ ફાટી નીકળી હતી. આ ખાનગી બસ રાજકોટથી શિરડી જતી હતી. બનાવ સમયે બસમાં મુસાફરો હાજર હતા અને આગ લાગતા આફરા-તાફરી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, રાજકોટથી શિરડી એક ખાનગી બસ જઈ રહી હતી. તે દરમ્યાન ડાંગ જિલ્લાના સાપતારા નજીક બસમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું મુખ્ય કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ-સર્કિટ હોવાનું હાલ સામે આવ્યું છે.
ઘટના સ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને થોડા જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ બસમાં 30 જેટલા મુસાફરો હતા. બધા મુસાફરોને સુરક્ષિત બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયરની ટીમે આગ વધુ ફેલાઈ એ પહેલા જ સમયસૂચકતા દર્શાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને ગંભીર નુકસાન થતા ટળ્યું હતું. સદનસીબે, કોઈ જાનહાનિ થયેલ નથી. મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગ ઘટનાની તપાસ હાથ ધરી છે.