New Delhi, તા.૭
ઉત્તર પ્રદેશના સીતાપુરમાં શુક્રવારે સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ૫ મહિલાઓના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય ૧૭ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે બાબરી સંસ્કાર કરાવીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલીને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેક્ટર-ટ્રોલી રોડ પર ઊંધી વળી ગઈ હતી અને તેમાં સવાર લોકો નીચે દબાઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી.સમગ્ર મામલો સીતાપુર જિલ્લાના પિસાવાં પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના હિમ્મતનગર વિસ્તારનો છે. મળતી વિગતો અનુસાર, હરદોઈ તરફથી બાબરી કરાવીને લોકોનો એક સમૂહ ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર થઈને પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવેલા બેકાબૂ ટ્રકે ટ્રોલીને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માતના કારણે ટ્રોલી પલટી જતાં તેમાં સવાર તમામ લોકો નીચે ફસાઈ ગયા હતા, જેના લીધે ૫ મહિલાઓના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયા હતા અને ૧૭ લોકો ઘાયલ થયા હતા.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક લોકોની મદદથી નીચે દબાયેલા લોકોને બહાર કાઢીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા તમામ ઈજાગ્રસ્તોને સમયસર અને યોગ્ય તબીબી સારવાર મળી રહે તે માટે ઝડપી વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી.અકસ્માતની ગંભીરતાને જોતાં જિલ્લા મેજિસ્ટ્રેટ રાજા ગણપતિ આર અને જિલ્લા પોલીસ વડા અંકુર અગ્રવાલ તાબડતોબ હોસ્પિટલ પહોંચ્યા હતા. બંને વરિષ્ઠ અધિકારીઓએ દર્દીઓની સ્થિતિની સમીક્ષા કરી હતી તેમજ ગંભીર ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલ ખસેડી ઉત્તમ તબીબી સુવિધા પૂરી પાડવા ડોક્ટરોને જરૂરી સૂચનાઓ આપી હતી.આ કરુણ અકસ્માતમાં ૫ મહિલાઓના અકાળે અવસાનથી મૃતકોના પરિવારોમાં આક્રંદ છવાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે. હાલમાં તમામ ૧૭ ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમની સ્થિતિ પર તબીબો નજર રાખી રહ્યા છે.

