Junagadhતા.02
જૂનાગઢની ઐતિહાસિક ધરોહર અને અતિ પ્રાચીન એવા પૌરાણિક ઉપરકોટ કિલ્લા પર હાલ વન્યજીવ દીપડાએ પોતાનો અડ્ડો જમાવી લેતાં પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. કિલ્લામાં દીપડાની હાજરીને કારણે સુરક્ષા અને સલામતીના ખાતર આજે સતત ત્રીજા દિવસે પણ ઉપરકોટ કિલ્લાને પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવાની નોબત આવી છે.
ગઇકાલે મોડી રાત્રે ઉપરકોટ કિલ્લાના મુખ્ય દરવાજા પાસે આવેલ અંદરના ભાગના હનુમાનજી મંદિર નજીક દીપડાએ બે સ્વાનનો શિકાર કર્યો હતો. આ ઘટના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે દીપડો હજુ પણ કિલ્લાના પરિસરમાં જ સક્રિય છે. આ ઘટના બાદ વન વિભાગે દર વખતની જેમ માત્ર પાંજરા ગોઠવીને પોતાના ફરજની ઇતિશ્રી માની લીધી છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે દીપડા જેવા ચપળ વન્યજીવ આવા પાંજરામાં સહેલાઈથી આવતા નથી તે પણ નગ્ન સત્ય વન વિભાગે હવે સ્વીકારવું જ પડશે. ઉપરકોટનો કિલ્લો ૨,૭ર,૪૯૭ ચોરસ વાર વિશાળ જગ્યામાં ફેલાયેલો છે અને તેની ફરતે ૨૧ મીટર(લગભગ ૭૦ ફૂટ) ઊંચી દીવાલો આવેલી છે. આટલા મોટા અને ઝાડી-ઝાંખરા વાળા જંગલ જેવા વિસ્તારમાં દીપડાને માત્ર ૧-૨ પાંજરા મૂકીને પકડવો એ દિવાસ્વપ્ન સમાન છે. કિલ્લાના સંચાલકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી દીપડો સત્તાવાર રીતે પકડાઈ નહીં જાય ત્યાં સુધી મુલાકાતીઓની સુરક્ષા અર્થે કિલ્લો બંધ રાખવો ફરજિયાત છે. વન વિભાગની માત્ર ‘પાંજરા મૂકી સંતોષ માનવાની’ ઢીલી નીતિના કારણે આજે દેશ-વિદેશથી આવતા હજારો પ્રવાસીઓ કિલ્લો જોયા વગર નિરાશ થઈને પરત ફરી રહ્યા છે.
માત્ર પાંજરા મૂકીને બેસી રહેવાને બદલે વન વિભાગ નાઇટ વિઝન કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને ટ્રેન્કવિલાઇઝર (બેભાન કરવાની) ટીમનો ઉપયોગ કરીને આ વન્યજીવને તાત્કાલિક રેસ્ક્યૂ કરે તેવી સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીઓની ઉગ્ર માંગ છે. જો વનતંત્ર આવી જ રીતે સુસ્ત રહેશે તો જૂનાગઢના પ્રવાસન ઉદ્યોગને મોટો આથક ફટકો પડે તેમ છે.
ઉપરકોટનો અમર ઈતિહાસ અને પ્રથમ વખત બનેલી ઘટના
મૌર્ય સામ્રાજ્યના સમયમાં સ્થાપિત થયેલો આ ઉપરકોટનો કિલ્લો રા’ નવઘણ, રા’ ખેંગાર અને રાણકદેવીની અમર ગાથાઓનો મુક સાક્ષી રહ્યો છે. અડી-કડી વાવ, નવઘણ કુવો, અનાજના કોઠારો અને તોપો ધરાવતા આ કિલ્લાએ ઇતિહાસમાં અનેક ઘેરાબંધીઓ અને આક્રમણો જોયા છે. પરંતુ આશ્ચર્ય અને ચિંતાની વાત એ છે કે આટલા સદીઓ જૂના પ્રાચીન ઇતિહાસમાં પ્રથમવાર જ એવું બન્યું છે કે કોઈ દીપડાએ ઉપરકોટ કિલ્લા પર આ રીતે કબજો જમાવ્યો હોય અને સમગ્ર કિલ્લો સીલ કરવો પડયો હોય !

