Rajkot,તા.02
બેડીપરા ચોક પાસે ગઇકાલે રાત્રે આગળ જતી રિક્ષા પાછળ પૂરઝડપે જતું એક્ટિવા ઘુસી જતાં મોરબી રોડ પરના વેલનાથપરા શેરી નં.૧૨-૧૮ના ખૂણે રહેતા દશરથ રાજેશભાઇ બજાણીયા (ઉ.વ.૧૯) અને તેના મિત્ર ચંદ્રેશ ધર્મેશભાઇ નિમાવત (ઉ.વ.૨૩)ના મોત નિપજ્યા હતા.
ટ્રિપલ સવારીના એક્ટિવામાં એક સગીર બેઠો હતો. જેના હાથમાં ફેક્ચર થઇ ગયું હતું. ત્રણેય મિત્રો ગઇકાલે રાત્રે એક્ટિવા પર ચા પીવા ગયા હતા. ચા પીને ઘર તરફ જતાં હતા ત્યારે બેડીપરા ચોક પાસે આગળ જતી રિક્ષા પાછળ તેમનું એક્ટિવા ઘુસી જતાં આ અકસ્માત સર્જાયો હતો.
ગંભીર રીતે ઘાયલ દશરથ અને ચંદ્રેશને સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં બંનેના મોત નિપજ્યા હતા. જાણ થતાં બી.ડિવિઝન પોલીસ સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે, એક્ટિવા ચંદ્રેશ ચલાવતો હતો. મૃતક દશરથના પિતાની ફરિયાદ પરથી તેના વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવી પ્રાણઘાતક અકસ્માત સર્જવા અંગે ગુનો નોંધાયો છે.
મૃતક દશરથ અને ચંદ્રેશ પરાબજારમાં કરીયાણાની દુકાનમાં કામ કરતા હતા. બંનેના મોતથી તેમના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

