“આનંદ તારા માટે એક સારા સમાચાર છે.”
બીજા દિવસની સવારે આનંદ ભાવનગરીના મોબાઈલ પર તેના એક પરિચિતનો ફોન આવ્યો.
“ધારાસભ્ય સાહેબ સાથે તારી એક વીક પછીની અપોઈન્ટમેન્ટ મેં નક્કી કરી નાખી છે, હાલમાં સાહેબ વિદેશ પ્રવાસે છે, જેવા શહેરમાં આવશે એટલે બીજા કે ત્રીજા દિવસે જ તારી મીટીંગ ગોઠવાઇ છે.”
“થેન્ક્યુ વેરી મચ ભાઈ! અને જો આ મીટીંગ સફળ થશે તો તને અને મને બંનેને બહુ મોટો ફાયદો થશે તે મારું પ્રોમિસ છે.”
આનંદે પણ વળતો જવાબ આપ્યો.
દુરદેશી અને તેના માટે આગવું આયોજન તે આનંદ ભાવનાગરીનો સ્વભાવ હતો. ભલે પછી તે ગુનાની દુનિયા હોય. આનંદ ભાવનગરી પોતાના આર્થિક ગુનાની દુનિયાનું જે રીતે વિસ્તરણ કરી રહ્યો હતો તે મુજબ તેને સુપેરે ખયાલ હતો કે, એકના એક દિવસ તે કાયદાની ઝપટમાં ચડશે જ, પરંતુ જો તેને કાયદાની ઝપટે ચડતા બચવું હોય તો કોઈક રાજકરણીનો સાથ લેવો જરૂરી હતો. જેથી પોતાના ફીનાઇલ, એસિડ અને લિક્વિડ સપ્લાયના બિઝનેસ દરમિયાન તેની ઓળખાણ અમદાવાદના એક મોટા હોટેલિયર સાથે થઈ હતી અને તે હોટેલ માલિક મિત્રના બનેવી સાથે અમદાવાદના તે સમયના એક ધુઆધાર રાજકારણી, ધારાસભ્ય અને રૂલિંગ પાર્ટીના નેતાને ખાસ ઘરોબો હતો. જેથી આ મિત્ર અને તેના બનેવીની મદદ વડે આનંદ ભાવનગરી તે નેતા સુધી પહોંચી અને તેમને પોતાના આર્થિક ગુનાના દુનિયાની પ્રવૃત્તિમાં સામેલ કરી અને કાયદાની ચુન્ગાલથી બને એટલો દૂર રહેવા તે રાજકારણીની છત્રછાંયા ઇચ્છતો હતો.
આનંદ ભાવનગરીના ફુલ પ્રુફ પ્લાનિંગ મુજબ કાયદેસર કોઈ કંપનીનું કોલ સેન્ટર ખોલવાનું અને તે કાયદેસરના કોલ સેન્ટરની કે બી.પી.ઓ.ની આડમાં પોતાના ગેરકાયદે કોલ સેન્ટરની પ્રવૃત્તિઓ ચલાવવાની. આમ, કાયદેસર કોલ સેન્ટર માટે જે તે રાજકારણીનો સાથ મેળવી, ધીમે ધીમે મોટી આવકના ગેરકાયદેસર ધંધાને નેતાજીના સાથ સહકાર અને સુરક્ષા હેઠળ વિસ્તારતા જવું અને આ ફૂલ પ્રુફ પ્લાનિંગની સફળતા માટે હવે માત્ર એક અઠવાડિયું જ દૂર રહ્યું હતું તેવું અત્યારે આનંદને પ્રતિત થઈ રહ્યું હતું. પરંતુ, કુદરતે આવતા અઠવાડિયામાં તેના માટે કંઈક અલગ યોજના જ કરી રાખી હતી.
“મેડમ! આજે એક અનુભવી અને મારા ઓળખીતા એમ્પ્લોઇને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો છે તો હું ઇન્ટરવ્યૂ લઈ લવ પછી તમારે તેમની સાથે વાત કરવી છે?, કે જો બધું યોગ્ય હોય તો હું એને પોઇન્ટ કરી લઉં?, કેન્ડિડેટ અનુભવી અને હોશિયાર છે તેમ જ આપણા પગાર ધોરણમાં ફીટ બેસી જાય એવો છે અને હાલમાં થોડી ફાઇનાન્સિયલ ક્રાઈસીસ પણ ભોગવી રહ્યો છે જેથી આપણે ચીંધેલું કોઈ પણ કામ આપણા ધારા ધોરણો મુજબ કરવા માટે તરત જ તૈયાર થઈ જશે.”
આનંદ ભાવનગરી સાથે ઔપચારિક મુલાકાત થયા પછી વૈશાલીએ બીજે દિવસે ઝડપથી પોતાની કામગીરી શરૂ કરી દીધી હતી. જાડેજા સાહેબની ટીમની ગણતરી મુજબ લગભગ 8 થી 10 દિવસમાં સમગ્ર ઓપરેશન પૂરું કરી નાખવાનું હતું. જેથી, પ્રથમ તબક્કામાં 2 થી 3 કેન્ડીડેટની કોઈપણ રીતે 3 કે 4 દિવસમાં ભરતી કરાવી લેવાની હતી. યોજનાના ભાગરૂપે વૈશાલી હાલમાં છાયાને એવી રીતે રજૂઆત કરી રહી હતી જેથી છાયા પોતે ઇન્ટરવ્યૂ લેવાને બદલે વૈશાલીએ નક્કી કરેલા કેન્ડીડેટને સીધો જ ભરતી કરી લે.
“વૈશાલી મને તારી પસંદગી અને આવડત ઉપર પૂરેપૂરો ભરોસો છે, મારે એ પ્રક્રિયામાં વચ્ચે પડવાની કોઈ જરૂર નથી, જો બધું યોગ્ય હોય અને આપણા કામનો એમ્પ્લોયી હોય તો તું ભરતી કરી જ લેજે.”
વૈશાલીના સવાલનો જવાબ આપતી વખતે છાંયા મનોમન હરખાતી હતી. કારણકે, વૈશાલીએ ગોઠવી અને બોલેલા શબ્દો તેના કાનમાં ગુંજી રહ્યા હતા. ‘ફાઇનાન્સિયલ ક્રાઈસીસને કારણે આપણે ચીંધેલું કોઈ પણ કામ ફટાફટ કરવા તૈયાર થઈ જશે’.
“ગુડ મોર્નિંગ શ્યામ, વૈશાલી બોલું છું, મજામાં?, વાત થશે?”
“ગુડ મોર્નિંગ વૈશાલી મેડમ, ફ્રી જ છું. તમારે થોડું આવું પૂછવાનું હોય?”
“શ્યામ, મેં એક નવી કંપની જોઈન્ટ કરી છે. જે બી.પી.ઓ. અને કોલ સેન્ટરને લગતું કામ કરી રહી છે. અમે અહીં અત્યારે મોટા પાયે નવા કર્મચારીઓની ભરતી કરી રહ્યા છીએ. જો તું મારી સાથે જોબ માટે જોડાવા ઇન્ટરેસ્ટેડ હોય તો, તારા અપડેટેડ રિઝ્યુમ સાથે આવી અને મને આજે ઇન્ટરવ્યૂ આપી જઈશ?”
“હા શ્યોર મેડમ!, મેં તમને આની પહેલા પણ વાત કરી જ હતી કે, મારે હાલમાં થોડી ફાઇનાન્સિયલ ક્રાઈસીસ ચાલી રહી છે, તો કોઈ સારી ઓફર કે ઓપોર્ચ્યુનિટી હશે તો હું 100 ટકા જોડાવા માટે તૈયાર છું. મને આપનું એડ્રેસ લખાવો. હું આજે જ આપને ઇન્ટરવ્યૂ આપી જાવ છું.”
પહેલેથી જ ઘડાયેલી સ્ક્રીપ્ટ મુજબ શ્યામે પણ પોતાનો પરફેક્ટ અભિનય કર્યો. ભલે વાતચીત ફોન પર થતી હોય, પરંતુ શ્યામ કોઈ રિસ્ક લેવા માંગતો ન હતો. કેમકે, બની શકે કે ફોન સ્પીકર પર હોય અથવા કોઈ રેકોર્ડિંગ સિસ્ટમ હોય કે કોઈ બીજું ફોન સાંભળી રહ્યું હોય.
એડ્રેસની આપ-લે અને ટૂંકી ઔપચારિક વાતચીત પછી વૈશાલીએ ફોન કટ કર્યો.
“કેમ છો સર મજામાં!?, વાત થઈ શકે એવું છે? હું વૈશાલી બોલું છું. આની પહેલા હું જોબ્સ ફોર શ્યોરમાં કામ કરતી હતી ત્યારે તમને ત્રણથી ચાર વખત મળી હતી યાદ આવ્યું સર?”
શ્યામ સાથે વાત પૂરી કરી વૈશાલીએ સીધો જ જાડેજા સાહેબને ફોન જોડ્યો.
“હા, વૈશાલી બેટા યાદ આવી ગયું બોલ બોલ શું કામ પડ્યું?”
“સર મને આપની એક હેલ્પની જરૂર છે. મેં હમણાં જ રિક્રુટમેન્ટ મેનેજરની પોસ્ટ પર એક બી.પી.ઓ. જોઈન્ટ કરી છે અને મારી નવી કંપની માટે હું મેલ અને ફીમેલ કેન્ડિડેટ શોધી રહી છું. આપની પાસે તો બી.પી.ઓ અને કોલ સેન્ટરના અનુભવનો ખજાનો છે. તો જો કોઈ ઉમેદવાર આપના ધ્યાનમાં હોય તો પ્લીઝ મારો રેફરન્સ આપશો?”
વૈશાલીએ જાડેજા સાહેબને ક્લિયર સિગ્નલ આપી દીધું કે, સમય આવી ગયો છે. આપની ટીમના મેલ અને ફિમેલ ઓફિસરને એમ્પ્લોય તરીકે ઇન્ટરવ્યૂ માટે મોકલવાનો તેમજ કર્મચારી તરીકે ફ્રોડ કોલ સેન્ટરમાં ભરતી કરાવવાનો.
“ઠીક છે, જોઈ લઉં, તારી જરૂરિયાત મુજબનું જો કોઈ મારા ધ્યાનમાં આવે તો જાણ કરું.”
જાડેજા સાહેબે ચીવટ પૂર્વક તદ્દન ઔપચારિક જવાબ આપ્યો. કેમકે, જો કોઈ તેમનો ફોન સાંભળી રહ્યું હોય તો તેમને જરા પણ શક ના જાય.
તે જ દિવસે બપોર સુધીમાં શ્યામ પણ કેન્ડિડેટ બની ઇન્ટરવ્યૂ આપવા આવી ગયો અને વૈશાલીએ જાણી જોઈ લંબાણપૂર્વક છાંયાની હાજરીમાં, શ્યામનો એવી રીતે ઇન્ટરવ્યૂ લીધો કે, છાયા પૂરેપૂરી રીતે પ્રભાવિત થઈ ગઈ.
પોતાના આ નાટકને સંપૂર્ણ વાસ્તવિક બનાવવા માટે છાંયાની હાજરીમાં, વૈશાલી એ છેલ્લા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો.
“શ્યામ, તારી સાથે થયેલી વાતચીત મુજબ મને તો સંપૂર્ણ સંતોષ છે. જો મારી કંપની તને તક આપવા માંગતી હોય તો કંપનીના ધારા ધોરણો મુજબ તું ક્યારથી જોબ જોઈન્ટ કરી શકે?”
“મેડમ, મારી પાછલી જોબ છેલ્લા મહિનાથી છૂટી ગઈ છે તો અત્યારે હું જોબ્લેસ છું. તમે જો મને તક આપશો તો હું આવતીકાલથી જ જોઈન્ટ કરી શકીશ.”
શ્યામે પણ અઠંગ ખેલાડીની જેમ પાસો ફેક્યો.
“તો તું થોડીવાર બેસ. હું મારા સિનિયર સાથે વાતચીત કરી અને એની એપ્રુવલ લઈ લઉ. પણ ધ્યાન રાખજે કે, શરૂઆતમાં અમે તને તારી અપેક્ષા મુજબ વધુ પગાર નહીં આપી શકીએ. તારે પગારમાં થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરવું પડશે.”
આટલું બોલી શ્યામના જવાબની રાહ જોયા વગર વૈશાલી પોતાની જગ્યા પરથી ઊભી થઈ અને છાંયાની સામેના ટેબલ ઉપર ગોઠવાઈ. વૈશાલીને ખાતરી હતી કે, છાંયા તેમનો ઇન્ટરવ્યૂ ચોકસાઈપૂર્વક સાંભળી રહી હતી. પરંતુ, તેણીનું ધ્યાન નથી તેઓ ડોળ કરી રહી હતી.
“મેડમ, મેં કહ્યું હતું તે કેન્ડિડેટ આવ્યો છે. મેં ઇન્ટરવ્યૂ લઈ લીધો છે. અને આમ પણ હું તેને ઓળખું છું. જો તમને જરૂર લાગતી હોય કે સેલેરીમાં નેગોશિયેશન કરવું હોય તો તમે પ્લીઝ સેકન્ડ રાઉન્ડ ઇન્ટરવ્યૂ લઈ લેશો?”
“વૈશાલી, તું કહેતી હોય તો હું ઇન્ટરવ્યૂ લઈ લઉં પણ મને તારી પસંદગી પ્રક્રિયાઓ પર ભરોસો છે. ક્યારથી જોઈન્ટ કરી શકશે?”
“તમારી એપ્રુવલ હોય તો આવતીકાલથી જ જોઇનિંગ કરાવી દઈશ.”
“ઠીક છે કરાવી દે.”
ઔપચારિકતા પૂરી કરી વૈશાલી ફરીથી પોતાના ટેબલ પર પાછી ફરી.
“કોન્ગ્રેચ્યુલેશન્સ શ્યામ!. તું આવતીકાલથી જોઈન્ટ કરી શકે છે. જોઇનિંગ માટેની જરૂરી પ્રોસેસ અને ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ હું તને તારા મોબાઇલ પર મોકલી આપું છું. તે બધા જ ડોક્યુમેન્ટ સાથે આવતીકાલે સવારે તારે આવી જવાનું છે. વન્સ અગેઇન કોન્ગ્રેચ્યુલેશન્સ!.”
“થેન્ક્યુ વેરી મચ મેડમ”
શ્યામ ઉભો થયો અને ઔપચારિકતા ખાતર તે છાંયાના ટેબલથી થોડો નજીક ગયો ત્યાં પણ તેણે છાંયાની સામે સહેજ નમી અને અદબપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
આનંદ ભાવનાગરીના બરબાદીના કોફીનમાં આજે બીજો ખિલ્લો ઠોકાઈ ગયો.
વૈશાલી પાસેથી છૂટા પડ્યા પછી કોઈપણ આડી અવળી જગ્યાએ જવાને બદલે શ્યામ સીધો પોતાના ઘેર ગયો. રખેને કોઈ ‘ફોલો’ કરી રહ્યું હોય તો કશી ગડબડના થાય. ફ્રેશ થઈ અને તેણે જાડેજા સાહેબને ફોન લગાડ્યો.
વૈશાલી સાથે થયેલ ઇન્ટરવ્યૂ, ઓફિસનું વર્ણન અને છાંયાના વર્ણનની રજેરજ વિગતો તેણે જાડેજા સાહેબને જણાવી.
સામે છેડેથી જાડેજા સાહેબે પણ પોતાના પોલીસ ઓફિસરોને કેન્ડિડેટ તરીકે મોકલવાના વૈશાલી તરફથી મળેલા સિગ્નલની વિગતો શ્યામને જણાવી. સાથે સાથે શ્યામને એ તાકીદ પણ કરી કે, જ્યાં સુધી પોતાની ટીમ આનંદ ભાવનગરીના ફ્રોડ કોલ સેન્ટરમાં એમ્પ્લોઇ તરીકે જોઇનિંગ ન કરી લે ત્યાં સુધી શ્યામે શું નોંધ કરવાની છે અને કેટલી તકેદારીઓ અને સાવચેતી રાખવાની છે. જેથી કોઈને શક ન પડે, કે પકડાઈ ન જવાય તેના સૂચનો આપ્યા.
ત્યાર પછીના દિવસની સવારે, શ્યામે આનંદ ભાવનગરીના ફ્રોડ કોલ સેન્ટરમાં એક એમ્પ્લોય તરીકે વિધિવત જોઈનિંગ કર્યું.
સાથે સાથે વૈશાલીએ ઉત્સાહિત થઈ છાંયાને ખબર આપ્યા કે, પોતાના જે પરિચિતને કોલ સેન્ટર અને બી.પી.ઓ.નો બહોળો અનુભવ છે, તે પ્લેસમેન્ટમાં હેલ્પ કરવા એમના પોતાના રેફરન્સથી બે કે ત્રણ ઉમેદવારો બે દિવસમાં મોકલશે. જેમાંની એક ફીમેલ કેન્ડિડેટ આજે આવી રહી છે.
અને તે જ દિવસે વૈશાલીના કથિત પરિચિત એટલે કે જાડેજા સાહેબના રેફરન્સથી એક ફિમેલ કેન્ડિડેટ ઇન્ટરવ્યૂ આપવા માટે વૈશાલીને મળવા આવી. જે વાસ્તવમાં જાડેજા સાહેબની ટીમની યંગ અને સૌથી ચબરાક લેડી પોલીસ ઓફિસર હતી.
પૂર્વ નિર્ધારિત સ્ક્રિપ્ટ મુજબ છાંયાની હાજરીમાં ફરીથી ઇન્ટરવ્યૂનું નાટક ભજવાયું. ફરીથી વૈશાલી છાંયાની અનુમતિ લેવા તેની પાસે પહોંચી, પરંતુ આ વખતે વૈશાલી એ પોતાની સ્ટ્રેટેજી થોડી બદલી.
“મેડમ આ ફીમેલ કેન્ડિડેટનો મેં ઇન્ટરવ્યૂ લઈ લીધો છે. પરંતુ, મારી ઈચ્છા છે કે તમે એક વખત એનો ઇન્ટરવ્યૂ લઈ લો.”
“કેમ વૈશાલી એવું તને કેમ લાગે છે કે, મારે તેનો ઇન્ટરવ્યૂ લેવો જોઈએ?”
“મેડમ મારા મગજમાં બે ત્રણ વાતો એક સાથે દોડી રહી છે. એક મેં તમને અને આનંદસરને કરેલું એક વીકનું પ્રોમિસ. બીજું કે જો બે ત્રણ કેન્ડિડેટ્સનું એક સાથે જોઇનિંગ થઈ જાય તો તેમની ટ્રેનિંગ પણ એક સાથે સ્ટાર્ટ થઈ જાય અને અલગ અલગ ટ્રેનિંગ આપવી ન પડે.”
વૈશાલીએ એકસાથે જોઇનિંગ અને એક સાથે ટ્રેનિંગનો દાણો બરાબર સિફત પૂર્વક દબાવી પોતાની વાત આગળ ચલાવી.
“પરંતુ મારી ઉતાવળથી કોઈ ખોટો કેન્ડિડેટ સિલેક્ટ ના થઈ જાય કે, કંપનીને કોઈ પણ પ્રકારે નુકસાન ન જાય. તેથી, મને તમારા અનુભવની પણ એટલી જ જરૂર છે. તો જો તમને યોગ્ય લાગે તો તમે પ્લીઝ સેકન્ડ રાઉન્ડ ઇન્ટરવ્યૂ લઈ લેશો?”
વૈશાલી સુપેરે જાણતી હતી કે, કોઈપણ કેન્ડીડેટનું વિધિસર ઇન્ટરવ્યૂ લેવાની ક્ષમતા છાયાની હતી જ નહીં અને ઉપરથી એક સાથે ટ્રેનિંગની લાલચનું લેબલ પણ વૈશાલીએ છાંયાના મગજમાં ચિપકાવ્યું હતું. છાંયાનો જવાબ પણ અપેક્ષિત જ હતો.
“વૈશાલી આજે જ્યારે તું એ ફીમેલ કેન્ડિડેટનો ઇન્ટરવ્યૂ લઈ રહી હતી, ત્યારે મારું ધ્યાન તારી વાતચીત ઉપર જ હતું અને મને નથી લાગતું કે, તે ઇન્ટરવ્યૂ લેવામાં કોઈપણ કચાસ છોડી હોય અને તે ફિમેલ કેન્ડિડેટના વાણી વર્તન ઉપરથી તે પણ મને અનુભવી જણાઈ રહી છે. તો મને નથી લાગતું કે, મારે નાહકનું તેનું ઇન્ટરવ્યૂ લેવું જોઈએ. તું આગળ વધ તને મારા તરફથી ગ્રીન સિગ્નલ છે.”
છાંયાના ગ્રીન સિગ્નલ સાથે આનંદ ભાવનગરીએ બનાવેલ ગુનાખોરીની દુનિયાના કિલ્લાના કાંગરા ખરવાની શરૂઆત થઈ ગઈ હતી અને આવનાર આઠ દિવસમાં આર્થિક ગુના નિવારણ શાખાના જાંબાજ પોલીસ ઓફિસર જાડેજા સાહેબ, ગુનાખોરીની દુનિયાના રાજાનો કિલ્લો ઘ્વસત કરી નાખવાના હતા.
ક્રમશ: (વધુ આવતા મંગળવારે)