Mumbai, તા.10
મધ્ય પૂર્વમાં રોજેરોજ બદલાતા ઘટનાક્રમ વચ્ચે સોના-ચાંદીમાં કડાકાનો દોર હોય તેમ વધુ ગાબડા પડ્યા હતા. અમેરિકા સોનુ વેચી રહ્યાની બજારમાં ચર્ચા હતી. વિશ્વબજારમાં મંદીથી હોરરામ હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત થતાં અટક્યો અન્યથા વધુ ભાવ ઘટાડાને અવકાશ હતો.
રાજકોટમાં આજે હાજર સોનુ 152150 હતું. રોકડામાં 1.50 લાખથી નીચે ઉતરીને 148500 થયું હતું. વિશ્વ બજારમાં ભાવ 4172 ડોલર હતો. વાયદામાં સોનુ 3130 તૂટીને 149315 હતું. હાજરમાં 4650નો કડાકો હતો.
ચાંદી હાજરમાં 12400 રૂપિયાનો કડાકો હતો અને ભાવ 241700 હતો. રોકડ વેપારમાં 239000 બોલાતા હતા. વાયદામાં 4450 તૂટીને 234000 હતી. વિશ્વ બજારમાં 64 ડોલરના સ્તરે સરકી હતી.
સોના-ચાંદીમાં ચાલુ જુન મહિનાના પ્રથમ 10 દિવસમાં જ ભાવો ઘણા ઘટી ગયા છે. ગત 1 જુને હાજર સોનુ 160100 તથા ચાંદી 270600 હતી તેમાં અનુક્રમે 8000 તથા 29000 નીકળી ગયા છે. રોકડ વ્યવહારમાં ભાવ વધુ નીચા બોલાય છે.
બજારમાં એવી ચર્ચા છે કે, અમેરિકા સોનુ વેચતું હોવાને કારણે ભાવ ગગડી રહ્યા છે. જો કે, મધ્ય પૂર્વમાં યુધ્ધને કારણે બદલાતા પ્રવાહોનો મોટો પ્રત્યાઘાત છે. યુધ્ધમાં સીઝ ફાયર છતાં કાયમી સમજુતી થતી ન હોવાથી અને વારંવાર હુમલા થતાં હોવાથી નેગેટીવ અસર છે.
અન્ય કોમોડીટીનું રોકાણ ફરી સોના તરફ વળતું નથી. નવા-નવા ઘટનાક્રમોને કારણે વધઘટ પણ મોટી છે. આવનારા દિવસોમાં આર્થિક સંકટ વકરશે, અર્થતંત્ર ધીમુ પડશે જેવી અટકળો પણ બજારને ગબડાવી રહી છે. લોકલ લેવલે ઘરાકી સાવ મામૂલી હોવાની પણ આંશિક અસર છે.

