New Delhi,તા.30
સરકાર ટૂંક સમયમાં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ ફરીથી લાવી શકે છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર આ વખતે તેને ઇન્ડસ્ટ્રીના સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત કર્યા પછી લાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે સરકાર આ પહેલાં પણ તેને જોરશોરથી લાવી હતી, પરંતુ તેને લાગું કરવામાં ઘણી મુશ્કેલીઓના કારણે તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. તેથી સરકાર તેને નવા ફોર્મેટમાં લાવવાની તૈયારી કરી રહી છે. આ અંગે IBJA એ નાણા મંત્રાલય સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યા છે.
IBJA ના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, ’ઘરોમાં રહેલા સોનાને સેબી દ્વારા નિયંત્રિત વોલ્ટમાં જમા કરીને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ (EGR) માં બદલવાની મંજૂરી આપવામાં આવે. વોલ્ટિંગ એજન્સીને ઘરો દ્વારા જમા કરવામાં આવેલા સોનાના બદલામાં ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ જારી કરવાનો અધિકાર આપવામાં આવે.’ મહેતાનું કહેવું છે કે સેબી-નિયંત્રિત એક્સચેન્જોને આ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટના વેપારની મંજૂરી આપવામાં આવે.
ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ દ્વારા, ઇક્વિટીની જેમ, આ નિયંત્રિત એક્સચેન્જો પર સોનાના ધિરાણ (લેન્ડિંગ અને બોરોઈંગ) ની સુવિધા પણ આપવામાં આવે. IBJA એ સરકારને પ્રસ્તાવ આપ્યો છે કે સોનાના ધિરાણની મંજૂરી આપવા માટે ઇનકમ ટેક્સ એક્ટમાં સુધારો કરવામાં આવે. સોનાને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટમાં બદલવા અને તેને ફરીથી સોનામાં રૂપાંતરિત કરવાની સાથે-સાથે તેના પર જીએસટીની લાગું વ્યવસ્થા માટે જીએસટી એક્ટમાં જરૂરી સુધારા કરવામાં આવે.
આ વ્યવસ્થા હેઠળ સરકાર અને બેંકો સંપૂર્ણપણે ગોલ્ડ મોનેટાઈઝેશન યોજનામાંથી બહાર થઈ જશે અને સરકારે સોના પર કોઈ પણ પ્રકારનું વ્યાજ પણ ચૂકવવું પડશે નહીં. આ બાબતે ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) એ જણાવ્યું કે તે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમના વ્યાપક પુનર્ગઠનને આગળ વધારવા માટે ભારતીય રિઝર્વ બેંક અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે સક્રિયપણે વાતચીત કરી રહી છે.
GJC ના ચેરમેન રાજેશ રોકડેએ જણાવ્યું હતું કે, ’આ યોજના રોકાણકારોને સોનાની નિષ્ક્રિય સંપત્તિઓ, જેમાં સોનું, સિક્કા અને ઘરેણાં સામેલ છે, તેને ઔપચારિક નાણાકીય પ્રણાલીમાં એકીકૃત કરીને તેના પર વળતર મેળવવાની તક પૂરી પાડે છે. તે પરંપરાગત રીતે બિન-લાભકારી સંપત્તિઓને વ્યાજ-યુક્ત નાણાકીય સાધનોમાં પરિવર્તિત કરે છે, જેનાથી સોનાની સંપત્તિ વેચવાની જરૂર વગર પોર્ટફોલિયો ક્ષમતામાં વધારો થાય છે.’

