New Delhi,તા.2
ઉંમર વધતાં ઘણાં લોકોમાં યાદશક્તિ નબળી થવા લાગે છે નામ ભૂલી જવું, ચાવી ક્યાં મૂકી તે યાદ ન આવવું. પરંતુ કેટલાક લોકો 80 વર્ષની ઉંમરે પણ દાયકાઓ પહેલાં જેટલાં જ શાર્પ રહે છે. નેચર જનરલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ તેનું એક કારણ મગજની અંદર, ખાસ કરીને યાદશક્તિના કેન્દ્રમાં, જીવનનાં અંતિમ વર્ષોમાં પણ નવા કોષો બનાવવાની ક્ષમતા હોઈ શકે છે.
અભ્યાસ જણાવે છે કે, માનવ મગજ વૃધ્ધાવસ્થામાં પણ હિપ્પોકેમ્પસમાં નવા ન્યુરોન બનાવતું રહે છે. હિપ્પોકેમ્પસ શીખવા અને યાદ રાખવા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ અલ્ઝાઇમરની બીમારીમાં આ નવીકરણ પ્રક્રિયા ખોરવાઈ જાય છે.
શોધકોએ અદ્યતન સિંગલ-સેલ જિનેટિક ટેક્નિકથી 3.56 લાખ જેટલા કોષોનું વિશ્લેષણ કર્યું. તેમાં યુવાન, સ્વસ્થ વૃદ્ધો, શરૂઆતના અલ્ઝાઇમર દર્દીઓ, નિદાન થયેલા દર્દીઓ અને `સુપરએજર્સ’ના મગજના નમૂનાઓ સામેલ હતા.
તેમણે સ્ટેમ સેલથી લઈને પરિપક્વ ન્યુરોન સુધીનો વિકાસ માર્ગ ઓળખ્યો. પરિણામે જણાયું કે માત્ર ઉંમર વધવાથી નવા ન્યુરોન બનવાનું બંધ થતું નથી. સ્વસ્થ વૃદ્ધોમાં નવા કોષ રચના જોવા મળી. પરંતુ અલ્ઝાઇમરમાં અપૂર્ણ વિકસિત ન્યુરોન ખૂબ ઓછા હતા. સ્ટેમ સેલ હાજર હતા, પણ તેઓ કાર્યક્ષમ ન્યુરોનમાં વિકસતા નહોતા.
AIIMSના ન્યુરોલોજી વિભાગ પ્રમુખ ડો. મંજરી ત્રિપાઠીએ જણાવ્યું કે આ પ્રક્રિયાને ન્યુરોનલ પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે, એટલે કે મગજની પોતાને બદલવાની અને નવી ક્ષમતાઓ વિકસાવવાની શક્તિ. તેમના મુજબ આ ક્ષમતાને રોજિંદી આદતો દ્વારા મજબૂત બનાવી શકાય છે.
નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, ઓછો તણાવ, મજબૂત સામાજિક સંબંધો અને હૃદયસંબંધિત જોખમોનું નિયંત્રણ. ખાસ કરીને ઊંઘ યાદશક્તિને મજબૂત બનાવવામાં અને નવા ન્યુરોન વચ્ચે જોડાણ બનાવવા ખૂબ જરૂરી છે.
ઘણા `સુપરએજર્સ’ માનસિક રીતે સક્રિય, સામાજિક રીતે જોડાયેલા અને હેતુપૂર્ણ જીવન જીવતા હતાં. શોધમાં એ પણ જાણવા મળ્યું કે કેટલાક લોકોમાં અલ્ઝાઇમર સંબંધિત મોલેક્યુલર ફેરફારો લક્ષણો દેખાવા પહેલાં જ શરૂ થઈ જાય છે.
અપોલો હોસ્પિટલ, હૈદરાબાદના ન્યુરોલોજિસ્ટ ડો. સુધિર કુમારે જણાવ્યું કે વયસ્કોમાં નવા ન્યુરોન બનવાની ગતિ બાળપણ કરતાં ધીમી હોય છે, પરંતુ તે મગજના કાર્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
નવા ન્યુરોન યાદોને અલગ પાડવામાં મદદ કરે છે અને માનસિક ક્ષમતાને મજબૂત બનાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, સ્વસ્થ જીવનશૈલી રાખીએ તો વૃદ્ધાવસ્થામાં પણ મગજ સક્રિય અને શાર્પ રહી શકે છે.

