New Delhi તા.15
કેન્દ્ર સરકારે અધિક વજનને લઈને (ઓવરલોડ) વાહનો માટે નવુ ચાર્જ માળખુ લાગુ કર્યું છે, જે 15 એપ્રિલથી અમલમાં આવી જશે. નવા નિયમો અંતર્ગત, હવે રાષ્ટ્રીય રાજમાર્ગો પર આવા વાહનો પર જેટલો વધારાનો ભાર હશે, તેના આધાર પર ચાર્જ લાગશે, હળવા ઓવરલોડ પર રાહત આપવામાં આવી છે, જયારે વધુ ઓવરલોડ પર ભારે દંડ લાગશે.
માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે, જો કોઈ વાહન 10 ટકા સુધી ઓવરલોડ છે તો તેના પર વધારાનો દંડ નહીં લાગે પણ જો કોઈ વાહન 10 થી 40 ટકા સુધી ઓવરલોડ જોવા મળ્યું તો સામાન્ય ટોલનો ડબલ ચાર્જ ચુકવવો પડશે. જે વાહનોમાં 40 ટકાથી વધુ ઓવરલોડ હશે તો તેણે ચાર ગણો ટોલ આપવો પડશે.
મશીનથી થશે તપાસઃ ભારની તપાસ કરવા માટે ટોલ પ્લાઝા પર ખાસ મશીનો લગાવવામાં આવશે. કોઈપણ વાહનને નિશ્ચિત કુલ વજન સીમા (વાહનનો ભાર પણ સામેલ)થી વધુ લોડ લઈને ચાલવાની મંજુરી નહીં મળે. જો કોઈ વાહન ઓવરલોડ મળે છે તો તેને આગળ લઈ જવાની મંજુરી નહીં આપવામાં આવે અને વધારાનો સામાન ઉતરાવવો પડશે.

