Hong Kong,તા.16
૭૮ વર્ષના લોકશાહી તરફી મીડીયા-મુઘલ જીમી-લાઈને સોમવારે હોંગકોંગ કોર્ટે આજીવન-કેદની સજા કરતાં તેઓને કોર્ટરૂમમાંથી સીધા જ જેલમાં લઈ જવાયા હતા. બૈજિંગ સરકારે બરોબર ચકાસીને નિયુક્ત કરેલા ત્રણે જજોએ સર્વાનુમતે આ ચુકાદો આપ્યો હતો.
લાઈ ઉપર આરોપ હતો કે તેઓ વિદેશી-પરિબળોની સાથે સાંઠ-ગાંઠ સાધી રાષ્ટ્રની સલામતીને ભયમાં મુકે છે. સાથે રાજ્ય દ્રોહ કરે તેવા લેખો તેમના વર્તમાનપત્રમાં પ્રકાશિત કરે છે. સાથે ષડયંત્રો રચે છે.લાઈએ તે ત્રણે આરોપો નકારી કાઢતાં કહ્યું હતું કે ‘મેં તો માત્ર જે કંઈ બન્યું હતું અને બની રહ્યું છે તે જ યથાવત્ પ્રસિદ્ધ કર્યું છે. પરંતુ બૈજિંગ સરકારે ચકાસીને નિયુક્ત કરેલા જજોએ લાઈની વાત સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
આ પૂર્વે ૨૦૨૦માં પણ તેઓને રાષ્ટ્રીય સલામતી ધારા નીચે કેદમાં નાખવામાં આવ્યા હતા. કારણ કે ૨૦૧૯માં હોંગકોંગમાં થયેલાં બૈજિંગ સરકાર વિરોધી રમખાણો દબાવવા શી-જિનપીંગ સરકારે વાપરેલી ક્રૂરતાની ઉગ્ર ટીકા કરતા લેખો લખ્યા હતા. ત્યારથી જ લાઈ જેલમાં જ છે. તેમાં તેઓ ઉત્તર મા. બીજા નવા આરોપો ઘડી બીજી કાનૂની કાર્યવાહી ચલાવવા કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે તેઓ પહેલાં કરતાં ઘણા જ પાતળા દેખાતા હતા. નિર્બળ પણ દેખાતા હતા. તેઓ ઉપર બીજા અનેક કેસો પણ દાખલ કરાયા છે.
લાઈ ઉપર ચાલતા કેસની કાર્યવાહી ઉપર યુરોપીય યુનિયન, અમેરિકા, બ્રિટન, ફ્રાંસ જેવા દેશોના રાજકીય નિષ્ણાતો અને સરકારો પણ બરોબર નજર રાખી રહ્યા હતા. તેઓ આ કેસને ચીનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગેનાં બેરોમીટર તરીકે માને છે.
યાદ રહે કે હોંગકોંગ પહેલાં બ્રિટિશ કોલોની હતું. ૧૯૯૭માં તે ચીનને સોંપવામાં આવ્યું ત્યારે શરત મુકી હતી કે, હોંગકોંગમાં અલગ સ્વાયત્ત શાસન રાખવું અને સંપૂર્ણ લોકશાહી તથા અભિવ્યક્તિું સ્વાતંત્ર્ય જાળવવા પરંતુ શી-જિનપિંગ સરકાર જે દક્ષિણ ચીન સમુદ્ર અંગે આંતરરાષ્ટ્રીય અદાલતને ગણકારતી નથી તે તેના આ કરારોને ગણકારે જ નહીં.

