Ahmedabad તા.27
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ -અસારવા નજીક આવેલ ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે થયેલા `અતુલ્યમ 1 થી 4 બ્લોક’ના નુકસાન પેટે આરોગ્ય વિભાગ દ્વારા ટાટા એરલાઈન્સ પાસે રૂ. 53.12 કરોડની માંગણી કરવામાં આવી હતી. જેના સંદર્ભમાં ટાટા એરલાઈન્સે રૂ. 53.12 કરોડની પૂરેપૂરી રકમ આગામી સમયમાં આરોગ્ય વિભાગને ચૂકવશે તેમ, આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું.
આ અંગે વિગતો આપતા મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન 2025ના રોજ મેઘાણીનગર ખાતે થયેલી અમદાવાદ પ્લેન ક્રેશ વિમાન દુર્ઘટનાના કારણે આરોગ્ય વિભાગ હસ્તકના ‘અતુલ્યમ 1 થી 4’ બ્લોક્સ, કેન્ટીન અને સબ-સ્ટેશન બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું.
દુર્ઘટના સમયે આ હોસ્ટેલમાં કુલ 92 વિદ્યાર્થીઓ રહેતા હતા. વિમાન દુર્ઘટના બાદ કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટમાં આ બિલ્ડિંગ્સ રહેવા માટે અસુરક્ષિત જાહેર થતાં તેને તોડી પાડવાની ફરજ પડી હતી. આમ, વિદ્યાર્થીઓની રહેવાની સુવિધા ખોરવાય નહીં અને તેમના હિતમાં તાત્કાલિક નવીન હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ -અસારવા નજીક આવેલ ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે ડોક્ટર્સ માટે અંદાજિત રૂ.105 કરોડના ખર્ચે નવીન અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી મેરીડ પી.જી. હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે.
મેડિકલ ક્ષેત્રે સુપર સ્પેશિયાલિટીની નવીન 48 બેઠકોના વધારાને ધ્યાનમાં રાખીને, આગામી ત્રણ વર્ષના કુલ 144 વિદ્યાર્થીઓ સહિત કુલ 236 સુપર સ્પેશિયાલિટી મેરીડ પી.જી. ડોક્ટર્સ રહી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

