New Delhi, તા.21
ભારતે બાંગ્લાદેશથી પોતાના રાજદ્વારીઓને પરિવાર સાથે પાછા બોલાવ્યા છે. આ પગલું બાંગ્લાદેશમાં ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીને લઇને સુરક્ષાના કારણોસર લેવામાં આવ્યું છે.
આનો મતલબ એ છે કે બાંગ્લાદેશમાં તૈનાત કરવામાં આવનાર ભારતીય રાજદ્વારી અને અધિકારી હવે પોતાના પતિ કે પત્ની અને બાળકોને પોતાની સાથે નહીં લઇ જઇ શકે. અત્યાર સુધી ભારતીય વિદેશ મંત્રાલય નોન ફેમિલીની આ શ્રેણી માત્ર કેટલાક દેશો પર લાગુ કરી હતી.
જેમાં ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને દક્ષિણ સુદાન છે. એક તાજેતરના નિર્ણય બાદ હવે બાંગ્લાદેશને પણ આ યાદીમાં સામેલ કરાયો છે. બાંગ્લાદેશમાં ભારતના પૂર્વ હાઇ કમિશ્નર પિનાક ચક્રવર્તીનું માનવું છે કે આ પગલું બાંગ્લાદેશમાં ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા સુરક્ષાની સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકાને લઇને ઉઠાવવામાં આવ્યું છે કારણ કે આથી હાઇ કમિશનના કર્મચારીઓના પરિવારોને ખતરો ઉભો થઇ શકે છે.
આ મામલે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર તૌહિદ હુસેને કહ્યું હતું કે ભારત બાંગ્લાદેશને પાકિસ્તાનવાળી શ્રેણીમાં રાખે છે કે નહીં તે તેનો ફેંસલો છે, જાહેર છે કે આ ખેદજનક છે, પણ હું તેમનો ફેંસલો બદલી ન શકું. જો તેમને એવું લાગતું હોય કે તેઓ ત્યાં સુરક્ષિત નથી તો તેમને આવું કરવા દો.

