Mumbai,તા.20
ભારતીય મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) સ્ટાર સંગ્રામ સિંહે રવિવારે ઈતિહાસ રચતા પાકિસ્તાનના મોહમ્મદ આબિદ અલીને માત્ર 1 મિનિટ 20 સેકન્ડ (80 સેકન્ડ)માં નોકઆઉટ કરીને પ્રતિષ્ઠિત સ્ટ્રાઈક એશિયા ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કરી લીધો. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ બહુપ્રતીક્ષિત મેચમાં જોરદાર ટક્કરની આશા હતી, પરંતુ સંગ્રામે પ્રથમ રાઉન્ડમાં જ મેચ ખતમ કરી દીધી.મેચની શરૂઆતથી જ સંગ્રામ સિંહ સંપૂર્ણપણે હાવી રહ્યા હતા. તેમણે દમદાર તાકાત, સચોટ પંચ અને શાનદાર ટેકનિકનું પ્રદર્શન કરીને પાકિસ્તાની ફાઈટરને સંભાળવાની કોઈ તક આપી નહીં. આખરે મેચની માત્ર 80 સેકન્ડ બાદ જ તેમણે નોકઆઉટથી જીત મેળવી લીધી અને એશિયા ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
આ જીતની સાથે સંગ્રામ સિંહનો પ્રોફેશનલ MMAમાં અજેય રેકોર્ડ પણ યથાવત રહ્યો છે. ચેમ્પિયનશિપ જીતીને તેમણે પોતાના કરિયરમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરી દીધી છે. આ સફળતા એ વાતનો પણ પુરાવો છે કે ચેમ્પિયન રેસલરમાંથી પ્રોફેશનલ MMA ફાઈટર બનવાનો તેમનો નિર્ણય કેટલો સફળ સાબિત થયો છે. આજે તેમની ગણતરી ભારતના સૌથી અગ્રણી કોમ્બેટ સ્પોર્ટ્સ ખેલાડીઓમાં થાય છે.ખિતાબ જીત્યા બાદ સંગ્રામ સિંહે આ જીત દેશવાસીઓને સમર્પિત કરી. તેમણે કહ્યું કે જ્યારે પણ તેઓ કોઈ ઈન્ટરનેશનલ મેચમાં ઉતરે છે, ત્યારે પોતાની સાથે સમગ્ર ભારતના લોકોના સપના અને દેશનું સન્માન લઈને લડે છે.

