New Delhi,તા.22
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને પડકારો વચ્ચે પણ ભારતનો સી-ફૂડ એક્સપોર્ટ(દરિયાઈ ખાદ્ય નિકાસ) નવી ઊંચાઈ સર કરી રહ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની દરિયાઈ ખાદ્ય નિકાસ રેકોર્ડબ્રેક 72,325.82 કરોડ રૂપિયા(8.28 અબજ ડોલર) પર પહોંચી ગઈ છે.
અત્યાર સુધી ભારતીય સી-ફૂડ માટે અમેરિકા સૌથી મોટું માર્કેટ રહ્યું છે, પરંતુ આ વખતે ત્યાં ટેરિફ સંબંધિત સમસ્યાઓને કારણે નિકાસમાં ઘટાડો નોંધાયો છે. જોકે, રાહતની વાત એ છે કે અમેરિકાના આ ઘટાડાની ભરપાઈ ચીન અને અન્ય દેશોએ કરી દીધી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સી-ફૂડ નિકાસનો કુલ જથ્થો 19.32 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો છે.
ભારતની આ ઐતિહાસિક સફળતામાં ‘ફ્રોઝન ઝીંગા’ મુખ્ય ગ્રોથ એન્જિન સાબિત થયા છે. કુલ નિકાસ આવકમાં ઝીંગાનો હિસ્સો 47,973.13 કરોડ રૂપિયા રહ્યો છે, જે કુલ કમાણીના બે-તૃતીયાંશ કરતા પણ વધુ છે. અમેરિકામાં નિકાસના મૂલ્યમાં 14.5% અને જથ્થામાં આશરે 20%નો ઘટાડો થયો હોવા છતાં તે ભારત માટે ટોપ નિકાસ ડેસ્ટિનેશન બની રહ્યું છે.
અમેરિકાના માર્કેટમાં આવેલા ઘટાડા સામે ચીને ભારતીય સી-ફૂડની નિકાસમાં 22.7%નો જંગી ઉછાળો નોંધાવ્યો છે. ચીન સિવાય યુરોપિયન યુનિયનમાં 37.9% અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં 36.1%થી વધુનો નિકાસ વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત જાપાનમાં પણ સી-ફૂડ નિકાસ 6.55% વધી છે.

