Savarkundla,તા.26
સાવરકુંડલા તાલુકાની શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫નું સુંદર આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રૂટ અધિકારી તરીકે ડી.એસ. શર્મા સાહેબ, નાયબ સચિવ ગાંધીનગર. તેમજ લાઇઝન ઓફિસર તરીકે મયુરભાઈ દેસાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના અભિગમ મુજબ મફત અને ફરજિયાત શિક્ષણ અન્વયે બાલવાટિકા અને ધોરણ એક તેમજ આંગણવાડીના બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મહેમાનોનના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવીને પ્રાર્થના, સ્વાગત ગીત, પર્યાવરણ જાગૃતિ વિશે બાળકો દ્વારા સ્પીચ, ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક,ઇનામ વિતરણ અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ગામના પ્રતિષ્ઠિત આગેવાન કનુભાઈ કુકાભાઈ વાડદોરીયા તરફથી બાલવાટિકાના તમામ બાળકોને દફતરની કીટ અને ગ્રામજનો તેમજ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. તેમજ આ ગામના અમદાવાદમાં કન્ટ્રક્શન ક્ષેત્રે સંકળાયેલા ગિરીશભાઈ નાગજીભાઈ સાવલિયા તરફથી છેલ્લા બાર વર્ષથી ફુલસ્કેપ બુકો આપવામાં આવે છે. તેમના પિતાશ્રી નાગજીબાપાનું પણ મુખ્ય મહેમાનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે નાયબ સચિવ અને લાઇજન ઓફિસર દ્વારા શાળાના પરિસરની મુલાકાત લઇ સ્માર્ટ ક્લાસ,કોમ્પ્યુટર લેબ તેમજ બાળકોની જુદી જુદી શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિહાળી હતી. અને બાળકો સાથે શૈક્ષણિક સંવાદ કર્યો હતો. પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં ગામમાંથી સરપંચશ્રી, ઉપસરપંચશ્રી વાલીગણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ મુકેશભાઈ કથીરિયાના માર્ગદર્શન નીચે શાળાના સ્ટાફે આ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું.