Bangalore,તા.8
કોરોનાકાળ બાદ ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજયોમાં યુવા વર્ગમાં હાર્ટફેઈલ તથા અચાનક મોતનાં પ્રમાણમાં વધારાથી લોકોમાં ચિંતા છે.સરકારે કોરોના રસી તથા અચાનક મોત વચ્ચે કોઈ કનેકશન ન હોવાનું જાહેર કર્યું છે. તેવા સમયે કર્ણાટક સરકારે એક મહત્વનો નિર્ણય લઈને અચાનક મોતના કિસ્સાને સરકાર સમક્ષ જાહેર કરવાનું તથા ફરજીયાત ઓટોપ્સી કરવાનું જાહેર કર્યું છે.
કર્ણાટકનાં આરોગ્ય વિભાગે અચાનક મોતના કેસોને ‘સુચિત બિમારી’ની વ્યાખ્યામાં મુકવાનું નકકી કર્યું છે. રાજયમાં યુવા વર્ગમાં હાર્ટએટેકનાં સંખ્યાબંધ કેસોને પગલે આ નિર્ણય લેવાયો છે.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતુંકે હોસ્પીટલોની બહાર થતા અચાનક મોતનાં કેસોની સરકારને જાણ કરવાનું અને તેનું ઓટોપ્સી કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
તેમણે કહ્યુ કે, છેલ્લા કેટલાંક મહિનાઓમાં અચાનક મોતનાં સંખ્યાબંધ કિસ્સા બન્યા છે. લોકો પગપાળા જતા હોય કે કસરત કરતા હોય અથવા બેઠા કે વાતચીત કરતા હોય ત્યારે અચાનક ઢળી પડે છે.આ પ્રકારનાં મોત પાછળના કારણની ચકાસણી જરૂરી છે અને એટલે દરેક કિસ્સાની જાણ કરવાનું તથા ઓટોપ્સી કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
કર્ણાટકમાં યુવા વર્ગમાં હાર્ટ એટેકનાં વધેલા કેસોને પગલે રાજય સરકારે નિષ્ણાંત કમીટીનું ગઠન કર્યું હતું તેના દ્વારા કાર્ડીયાક સર્વેલન્સ પ્રોગ્રામ શરૂ કરવા તથા નેશનલ રજીસ્ટ્રીની ભલામણ કરી હતી અને તેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કર્ણાટક સરકારે શાળાના બાળકો તથા સરકોરી કર્મચારીઓનું દર વર્ષે હૃદયરોગ સંબંધી સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે આ માટે પુનિથ રાજકુમાર હૃદય યોજના વિસ્તારવામાં આવી છે.

