ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થતાં જે થોડો સમય સુખનો ભાસ થાય છે તે વિષયાનંદ.આ સુખ ક્ષણિક છે અને પરિણામે દુઃખ આપે છે.ઇન્દ્રિયોનું સુખ કેવું છે? સંસારનું-ઇન્દ્રિયોનું સુખ દરાજને ખંજવાળવા જેવું છે.ભોજન બહુ સરસ હશે તો તો ભુખ કરતા વધુ ખવાશે ઉપરથી બે-ચાર અન્નપાચનની ગોળીઓ લેવી પડે છે.આવા સમયે રૂચિ કહે છે કે તું ખા અને નીતિ કહે છે તું ખાવાનું બંધ કર.જેનું જીવન શુદ્ધ છે,પવિત્ર છે તેને ભજનાનંદ મળે છે,એ આનંદ કાયમ ટકે છે.જે નીતિને આધીન રહી પવિત્ર જીવન ગાળે તેને ઈશ્વરનું જ્ઞાન થાય છે,પરમાત્માના દર્શન થાય છે.નિયમથી ભક્તિ કરે તેને ધીરે ધીરે આનંદ મળે છે અને જે આનંદ મળે છે તે પછી ઓછો થતો નથી.
એક બોધકથા છે કે પહેલાંના સમયમાં લોકો પગે ચાલીને યાત્રા કરવા જતા હતા જેથી અતિઆવશ્યક હોય તેટલો જ સામાન જોડે રાખતા.આજકાલ ગાડી-મોટરની વ્યવસ્થા થઇ ગઈ છે એટલે કેટલાંક જાત્રા એ જાય ત્યારે આખું ઘર ઉઠાવીને સાથે લઇ જાય છે.બે મિત્રો જાત્રાએ નીકળ્યા.એકને એવી આદત પડી ગયેલી કે પલંગ વગર ઊંઘ આવે નહિ.આ તો યાત્રા છે દરેક જગ્યાએ પલંગ મળે નહિ એટલે પલંગ પણ જોડે લીધો છે.એક વખત એવું બન્યું કે કોઈ મજુર મળ્યો નહિ.બીજું તો કોણ ઉપાડે? એટલે ભાઈએ પલંગ માથે લીધો અને તેના ઉપર બીજો સામાન મુક્યો.તડકો ખુબ પડતો હતો,ભાઈ પરસેવે રેબઝેબ હતા,સામેથી એક સજ્જન મળ્યા,તેમનાથી આ ભાઈની દશા ના જોવાઇ તેથી તે કહે છે કે આ પલંગ વગર જાત્રા કરો ને ! આટલો બધો ત્રાસ શા માટે વેઠો છે? પેલા ભાઈએ જવાબ આપ્યો કે ભલે બોજ ઉંચકવો પડે પણ રાત્રે સુવાની મજા આવે છે ને ! રાત્રે મજા પડે છે તેથી માથે ઊંચક્યું છે.રાત્રે શું મજા આવતી હશે તે તો પરમાત્મા જાણે !
આ બીજાની કથા નથી,આ આપણી કથા છે.જીવાત્મા યાત્રાએ નીકળ્યો છે.ક્ષણિક સુખ માટે આખો દિવસ ગદ્ધા-વૈતરૂં કરે છે,અતિશય દુઃખ સહન કરીને થોડું સુખ ભોગવે છે.સંસાર સુખ માટે મનુષ્ય જેટલું દુઃખ સહન કરે છે તેટલું પરમાત્મા માટે સહન કરે તો તેને પરમાત્માના દર્શન થાય.વિચાર કરો કે છોકરાંને ઉછેરતાં મા-બાપને કેટલું સહન કરવું પડે છે,તેમ છતાં લગ્ન થાય પછી છોકરાંઓની બુદ્ધિ બગડે છે.કાનમાં મંત્ર આપનાર ગુરૂના આગમન પછી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે,મા-બાપનો તિરસ્કાર કરે છે.વિષયાનંદ ટકતો નથી અને ભજનાનંદનો નાશ થતો નથી.જીવન એટલે પોતાની આંખમાં આંસુ સાથે દુનિયામાં આવવું અને બીજાની આંખમાં આંસુ આપીને દુનિયામાંથી વિદાઇ લેવા સુધીની યાત્રા.
મનુષ્યનું આ શરીર જ રથ છે,આત્મા સારથી છે,ઇન્દ્રિયો ઘોડાઓ છે.જેવી રીતે કુશળ સારથી ઘોડાઓને પોતાને વશમાં કરીને સુખપૂર્વક યાત્રા કરે છે,તેવી જ રીતે સાવધાન મનુષ્ય ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને સુખપૂર્વક જીવનયાત્રા પસાર કરે છે.પાંચ યાત્રાઓ યાદ રાખજો.જીવનયાત્રા,ઉદરયાત્રા,જ્ઞાનયાત્રા, વિજ્ઞાનયાત્રા અને સ્મશાનયાત્રા.જ્યાં સુધી અમારી જીવન યાત્રા ચાલે છે ત્યાં સુધી અમારે કંઇને કંઇ તો કરવું જ ૫ડતું હોય છે.અમે કંઇ જ ના કરીએ તો ૫ણ અમારૂં શરીરરૂપી યંત્ર તો કામ કરતું જ રહે છે.અમારી વાસ્તવિકતા તો પ્રભુ ૫રમાત્મા છે,તેમને અમારે જાણવાના છે.આના માટે અમોએ સંતો મહાત્માઓ પાસેથી માર્ગદર્શન મળે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

