Surendranagar, તા.22
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ગોખરવાળા ગામે વર્ષ 1999માં છરી વડે હુમલો કરવાનો બનાવ બન્યો હતો. આ કેસમાં ચુડા કોર્ટે આરોપીને વર્ષ 2016માં 6 માસની સજા ફટકારી હતી. જેમાં આરોપી અપીલમાં જતા તાજેતરમાં લીંબડી એડીશનલ સેશન્સ કોર્ટે ચુડા કોર્ટના ચુકાદાને કાયમ રાખતો હુકમ કર્યો છે.
ચુડાના ગોખરવાળા ગામે તા. 29-8-1999ના રોજ રાત્રે એક માસ પહેલા કહેવાયેલ અપશબ્દોનું મનદુ:ખ રાખી ફરિયાદી જ્ઞાનગીરી સોમવારગીરી ઉપર ભરત ભુરાભાઈ સહિત 4 શખ્સોએ છરી અને લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જેમાં તા. 7-12-2016ના રોજ ચૂડા કોર્ટે આરોપી ભરત ભુરાભાઈને 6 માસની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.
આ જજમેન્ટથી નારાજ થઈને ભરત ભુરાભાઈએ તા. 6-1-17ના રોજ લીંબડી એડીશનલ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. આ કેસ તાજેતરમાં ચાલી જતા સરકારી વકીલ વાય.જે.યાજ્ઞીકની દલીલો, 15 મૌખીક અને 7 દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે કેસ દાખલ થયા તારીખથી 8 વર્ષ, 7 માસ અને 13 દિવસ પછી તા. 19 ઓગસ્ટના રોજ ચૂકાદો આપ્યો હતો. જેમાં લીંબડી બીજા એડીશનલ સેશન્સ કોર્ટના જજ એમ.બી.પાન્ડેય દ્વારા અરજદાર આરોપીની અપીલ નામંજૂર કરીને ચૂડા કોર્ટ દ્વારા વર્ષ 2016માં અપાયેલ ચૂકાદાને કાયમ રાખતો હુકમ કર્યો છે.