Junagadh તા.8
જુનાગઢનો રહીશ નામચીન બુટલેગર અને ગુજસીટોકનો નાસતો ફરતો ફરાર આરોપી અંતે અજમેરથી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે પકડીને જુનાગઢ લાવી ભેંસાણના દારૂના જથ્થામાં ધરપકડ કરી છે. આગામી દિવસોમાં અન્ય ગુન્હાઓમાં તેની ધરપકડ કરવામાં આવશે આ લીસ્ટેડ માથાભારે ધીરેન અમૃતલાલ કારીયા સામે રાજયના વિવિધ પોલીસ સ્ટેશનના 61 ગુન્હાઓ દાખલ થયેલા હોવાનું ક્રાઈમ બ્રાંચે જણાવ્યું છે.
આ અંગેની વિગત મુજબ જુનાગઢના લીસ્ટેડ બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયા અને તેની ટોળકી સામે સાતેક માસ પહેલા ગુજસીટોકનો ગુન્હો દાખલ થયેલ હોય તે સમયે પોલીસે ઉદય નરોતમ દવે રે. જુનાગઢ, વિપુલ ઉર્ફે ભુપત ઉર્ફે કડી સુરા સુત્રેજા રે. ધંધુસર (વંથલી), અજય રૂડા મેરામણ કોડીયાતર રે. જુનાગઢ, સમીર ડોસા લખમણ કોડીયાતર, કીરીટ ઉર્ફે કીટો ભગા છેલાણા જુનાગઢ, ભુપત પુંજા કોડીયાતર રે.જુનાગઢ અને પરમ ધીરેન કારીયા (જે ધીરેન કારીયાનો પુત્ર) રે. રાયજી બાગ જુનાગઢ વાળાઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ધીરેન અમૃતલાલ કારીયા ફરાર હતો તેનો પત્તો કયાંય લાગ્યો ન હતો.
આ બુટલેગરની રાજસ્થાનના અજમેર હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચે અજમેર જઈ ત્યાંના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે પકડીને જુનાગઢ લાવી હતી.
જુનાગઢના ડીવાયએસપી રવીરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે ધીરેન કારીયા સામે જુનાગઢ, રાજકોટ ગ્રામ્ય, મોરબી, પાટણવાવ, વટવા જામજોધપુર સહિતના રાજયના વિવિધ પોલીસ સ્ટેશનના 61 ગુન્હાઓ નોંધાયેલ છે. મોટાભાગના ગુન્હાઓ દારૂ અને દારૂ વહન કરવાના વાહનોની બોગસ નંબર પ્લેટના ગુન્હા છે. જુનાગઢ-ભેંસાણના દારૂના ગુન્હામાં ફરાર હતો. ડીવાયએસપીએ જણાવ્યું હતું કે જાણે અજાણે પણ કોઈએ મદદ કરી હશે. તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

